For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં રોડ શો પહેલા રોડ દબાણમુક્ત, રોડ શો બાદ બીજા દિવસથી દબાણો જૈસે થે

Updated: Apr 29th, 2024

વડોદરામાં રોડ શો પહેલા રોડ દબાણમુક્ત, રોડ શો બાદ બીજા દિવસથી દબાણો જૈસે થે

વડોદરામાં બે દિવસ પહેલા તારીખ 27 ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નો રોડ શો હતો. તેમનો આ રોડ શો પ્રતાપનગર રણમુક્તેશ્વર થી શરૂ થઈ વિવિધ વિસ્તારમાં ફરી માર્કેટ ચાર રસ્તા ખાતે પૂર્ણ થવાનો હતો  તેમના આ રોડ શો ધ્યાનમાં રાખીને કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા રોડ શો રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નડતરરૂપ દબાણો હટાવ્યા હતા અને દબાણો હટતા રોડ ખુલ્લા થતા લોકોએ પણ રાહત અનુભવી હતી, અને એવું કહેતા હતા કે આવું રોજ હોય તો કેવું સારું, પરંતુ રોડ શો પૂર્ણ થયા બાદ બીજા જ દિવસથી ફરી પાછા દબાણો જેસે થે થઈ ગયા છે. ખાસ તો પદ્માવતી શોપિંગ કોમ્પલેક્ષ થી લહેરીપુરા ગેટ સુધી કાયમ પથારા, લારીઓ તેમજ રિક્ષાઓ હોવાથી ચાલવાની માંડ જગ્યા મળે છે. આ સ્થળે તારીખ 27 ના રોજ એકદમ મોકળાશ હતી, અને કોઈ દબાણ જોવા મળતું ન હતું. જ્યારે આજે પરિસ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. જોકે આવું પહેલી વખત નથી થયું. જ્યારે કોઈ વીઆઈપી કે વડાપ્રધાન આવવાના હોય ત્યારે રૂટ પર થી તમામ દબાણો અને નડતર હટાવી રોડ ચોખ્ખો કરી દેવામાં આવે છે, અને બીજા દિવસે જુના દ્રશ્યો ફરી જોવા મળે છે. આવું જ મંગળ બજાર વિસ્તારમાં પણ બને છે. 

કોર્પોરેશનનું તંત્ર અવારનવાર અહીંથી દુકાનદારો દ્વારા બહાર મુકેલા લટકણીયા, વસ્તુઓ, પથારા વાળાના દબાણો હટાવવા કામગીરી કરવામાં આવે છે અને બે-ચાર કલાક બાદ ફરી પાછી એની એ જ સ્થિતિ થઈ જાય છે. લોકોના કહેવા અનુસાર તંત્ર ધારે તો ગેરકાયદે દબાણો અને રિક્ષાઓના પાર્કિંગો હટાવી શકે છે, અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને પસાર થવા રાહત અપાવી શકે  તેમ છે, જે આના પરથી સાબિત થાય છે. હવે ફરી કોઈ વીઆઈપી આવશે ત્યારે ગેરકાયદે પાર્કિંગ તેમજ દબાણો હટશે, ત્યાં સુધી તંત્ર કશું કરશે નહીં .શહેરના ચાર દરવાજા વિસ્તારમાં દબાણોની તો ભરમાર છે ,એ હટાવવા અગાઉ કોર્પોરેશનની જનરલ બોર્ડ ની મીટીંગો પણ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. માત્ર ચાર દરવાજા જ નહીં શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે લારી ગલ્લાના દબાણો અને રિક્ષાઓ તથા વાહનોના પાર્કિંગો ની સમસ્યા છે અને લોકો પરેશાની અનુભવી રહ્યા છે.

Gujarat