Gujarat

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર

By GS TEAM
11 Mar 20261 min read
ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર

દેહ વ્યાપારમાં ગ્રાહકો બાબતે માથાકૂટમાં હત્યા કરી હતી

અનૈતિક પ્રવૃત્તિઓ પાછળ કોનું પીઠબળ? પોલીસ તપાસમાં નામ ખુલશે કે ઠંડુ પાણી રેડી દેવાશે

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ ટેક્સ નજીક થયેલી મહિલાની હત્યાના પ્રકરણમાં પોલીસે હત્યારા શખ્સ મેરુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાને ઝડપી પાડી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યાં છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતે પણ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે ગ્રાહકો બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન મહિલાએ આરોપીને લાફો મારતા, ઉશ્કેરાયેલા મેરુએ છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી નાખી હતી.

આ હત્યાકાંડે હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અવાવરું જગ્યાએ ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓથી સ્થાનિક પોલીસ અજાણ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ધોળીધાર વિસ્તારના શખ્સને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આ પ્રકરણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ વ્યવસાય પાછળ કોનું પીઠબળ છે તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.