રાજુલા, મહુવા, સૂત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ

Gujarat Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનો સમય સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર-પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં રાહત જોવા મળશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
24 કલાકમાં સૂત્રાપાડા, મહુવા જળબંબાકાર
હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં સર્વાધિક 8.50 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ભાવનગરનું મહુવા 7.24 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડા 6.85 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં આ પરિસ્થિતિ વચ્ચે, આજે સવારે માત્ર 4 કલાકના ગાળામાં જ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગરના મહુવા અને ખેડાના ગળતેશ્વરમાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ચાર કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકાઓમાં વરસાદની અસર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે ખેતરોમાં તૈયાર ઊભો પાક અને લણણી કરેલ પાથરાઓ(મગફળી)ને વ્યાપક નુકસાન થયું છે. સતત વરસતા આ માવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


હવામાન વિભાગ દ્વારા 4 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે બુધવારે (28 ઑક્ટોબર) 16 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં છૂટોછવાયો ભારે વરસાદ જોવા મળી શકે છે.
10 જિલ્લામાં યલો અને 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
બુધવારે (29 ઑક્ટોબર) ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ અને બોટાદમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય અમરેલી અને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદ જોવા મળશે.

2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 16 જિલ્લામાં યલો ઍલર્ટ
ગુરુવારે (30 ઑક્ટોબર) દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર અને અમરેલીમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો ઍલર્ટ છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.

5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
હવમાન વિભાગે શુક્રવારે (31 ઑક્ટોબર) 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

છેલ્લા 2 કલાકમાં ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મંગળવારે 28 ઑક્ટોબર, 2025ની સવારે 6થી 8 કલાકના ટૂંકા ગાળામાં પણ રાજ્યના 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય પંચમહાલના મોરવા હડફમાં 0.79 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 0.71 ઇંચ અને જૂનાગઢના માંગરોળમાં 10.67 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.



