અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ

Farmers Demand Loan Waiver: રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે રજૂઆત કરી છે. તેમાં જણાવ્યા મુજબ, જ્યારે ખરીફ પાક તૈયાર છે અને આ તૈયાર પાકને ખેતરમાંથી લણણી કરવાનો જ સમય છે, ત્યારે જ કુદરત રૂઠી છે અને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠારૂપી પાણી ફરી વળ્યું છે તેનાથી માઠી હાલત થઈ છે.
અતિવૃષ્ટિ સહાયના ભંડોળ ચૂકવાયા નથી
પત્રમાં ઉમેર્યું છે કે 2024ના જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ માટે સરકારે અનુક્રમે 319 કરોડ અને 1450 કરોડ એમ કુલ મળીને 1769 કરોડની જાહેરાત તો કરી દીધી, પણ વાસ્તવમાં સરકારે 1769 કરોડમાંથી 500 કરોડ પણ ચૂકવ્યા નથી. એ જ રીતે ઓક્ટોબર 2024માં આવેલ માવઠા માટે સરકારે આ માવઠાના 10 મહિના સુધી પેકેજ પાઈપ લાઈનમાં છે એવું જ કહ્યા રાખ્યા બાદ જ્યારે ઓગષ્ટ 2025માં આ પેકેજ જાહેર કર્યું ત્યારે માત્ર 6 જિલ્લાઓ માટે જ જાહેર કર્યું અને એ પણ માત્ર કપાસના પાક માટે જ પેકેજ જાહેર કર્યું.
જૂના સહાય પેકેજમાં શૂન્ય ચૂકવણી
જૂના પેકેજ પૈકી એકેય ખેડૂતને એક રૂપિયો પણ આજે એક વર્ષ પુરુ થયા પછી પણ મળ્યો નથી એવો આક્ષેપ કિસાન નેતાએ કર્યો છે. હાલ પડેલો વરસાદ અગાઉથી ત્રણ ગણો છે, હજુ ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યાં છે, તો હાલ ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા રૂા.1 લાખ આપવા જોઈએ અને પાક નુકસાનની સામે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

