Get The App

બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી 1 - image


Rave Party in Ahmedabad: અમદાવાદમાં બોપલના એક ફાર્મ હાઉસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલા 15 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે તમામ 15 આરોપીઓની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે. ગ્રામ્ય કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે, ત્યારે આ તબક્કે આરોપીઓને જામીન પર મુક્ત કરવા તે ન્યાયોચિત નથી.

સરકારપક્ષની દલીલો માન્ય

કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર થતાં હવે તમામ આરોપીઓને જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે. રાજ્ય સરકાર તરફથી આરોપીઓની જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપીઓ પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રતિબંધિત હુક્કા પાર્ટીનું આયોજન કરી કાયદાના લીરેલીરા ઉડાવવામાં આવ્યા છે. આરોપીઓમાં વિદેશી નાગરિકોનો સમાવેશ થતો હોવાથી જામીન મળ્યે તેઓ પલાયન થઈ શકે છે. આવા સમાજવિરોધી ગુનામાં આરોપીઓને જામીન અપાય તો સમાજમાં ખોટો સંદેશો જશે. કોર્ટે સરકારપક્ષની આ તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને 15 આરોપીઓની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો

બે આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર, ત્રણ જેલમાં

આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે દારૂ પહોંચાડનાર બે આરોપીઓ અનંત કપિલ અને આશિષ જાડેજાના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા, અગાઉ કઈ કઈ પાર્ટીમાં દારૂ પહોંચાડ્યો હતો, તેમના અન્ય સાથીદારો કોણ છે અને વોટ્સએપ ચેટ્સની તપાસ માટે ઊંડાણપૂર્વક પૂછપરછ જરૂરી છે. કોર્ટે પોલીસની દલીલોને માન્ય રાખીને દારૂ પહોંચાડનાર અનંત કપિલ અને આશિષ જાડેજાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જ્યારે, ફાર્મ હાઉસના માલિક મિલન પટેલ, પાર્ટીનું આયોજન કરનાર કેન્યાના જોન, અને હુક્કો પહોંચાડનાર આરોપી સહિતના અન્ય ત્રણ આરોપીઓને કોર્ટે સાબરમતી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં બોપલના ફાર્મ હાઉસ પર પોલીસે દરોડા પાડીને 13 વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરી હતી.

Tags :