ગિફ્ટ સિટીમાં ૨૬ લાખના ગાંજા સાથે રાજકોટનો યુવક ઝડપાયો

આલીશાન ટાવરમાં એસઓજીનો દરોડો
રોજના ૩,૦૦૦ લેખે ફ્લેટ ભાડે રાખી ચાલતું નેટવર્ક વડોદરાના શખ્સ પાસેથી નશીલો પદાર્થ લાવી વેચાણ કરતો
ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ
અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસ.ઓ.જી
પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમને બાતમી મળી હતી કે, અંકિત રાજેશભાઈ કક્કડ નામનો ઇસમ ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ
હાઇટ્સમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ
બાતમીના આધારે પોલીસની ટીમે પંચો અને એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં રેઇડ કરી હતી.
તપાસ દરમિયાન ફ્લેટના બેડરૃમમાં રાખેલી બેગમાંથી લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ
મળી આવ્યો હતો, જેનું
એફ.એસ.એલ. પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. પોલીસે ગાંજો અને
મોબાઇલ મળી ૨૬.૬૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. અંકિત કક્કડ મૂળ
રાજકોટના માધાપર ચોકડી વિસ્તારનો રહેવાસી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે
છેલ્લા કેટલાક સમયથી રોજના ૩,૦૦૦ ના
ભાડાથી આ ફ્લેટમાં રહેતો હતો. આ નશીલો પદાર્થ તે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા
વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસે અનિકેત રબારી નામના વ્યક્તિ પાસેથી લાવ્યો
હોવાની કબૂલાત કરી છે. પોલીસે અંકિત કક્કડ અને નશીલો પદાર્થ પૂરો પાડનાર અનિકેત
રબારી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








