રાજકોટ અગ્નિકાંડ: મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધશે ED, RMC પાસે મંજૂરી માંગી
Rajkot Fire: રાજકોટ અગ્નિકાંડમાં ગેરકાયદે બાંધકામમાં બેદરકારી દાખવનાર તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે, ED દ્વારા બુધવારે (2 જુલાઈ) RMC પાસે ગુનો દાખલ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. નોંધનીય છે કે, મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટેની દરખાસ્ત મૂકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ આગકાંડનો આરોપી
આ પહેલાં રાજકોટના નાનામવા રોડ પર ટીઆરપી ગેમઝોનના 3000 ચો.મી.માં ગેરકાયદે બાંધકામમાં આગ લાગે તો કોઈ બચે નહીં તેવી બેદરકારી રાખવાના કેસમાં મનસુખ સાગઠિયા પર કલમ 304, 308 અને 36 સહિતના ગુનો નોંધાઈ ચુક્યો છે. જેમાં ખુલાસો થયો હતો કે, રાજકોટના અગ્નિકાંડમાં પહેલા દિવસે જ બાંધકામ પ્લાન મંજૂર નહીં હોવા છતાં તેને ચાર વર્ષથી ચલાવવામાં આવ્યું હતું. જેના પગલે સૌથી પહેલાં સાગઠિયા પાસેથી ટી.પી.ઓ.નો ચાર્જ મ્યુનિ.કમિશનરને બદલે સરકારે આંચકી લીધો હતો. બાદમાં બે દિવસ પહેલા તેની મનપામાં ચાલુ મિટીંગમાંથી પોલીસે અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
23.15 કરોડની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી
આ પહેલાં મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેની સામે ભ્રષ્ટાચારની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે હાલ આરોપી રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ છે.
આવક કરતા 600 ગણી વધારે મિલકત
આ પહેલાં ACB તપાસમાં સામે આવ્યું હતું કે, સાગઠિયાની કાયદેસરની કુલ આવક 3,86,85,647 રૂપિયાની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂપિયા 28,17,93,981ની સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કર્યો હતો. તેણે આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂપિયા 24,31,08,334ની અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.