Get The App

ગુજરાતમાં 40 હજાર શિક્ષક-38 હજાર ઓરડાની અછત, છતાં પ્રવેશોત્સવના નામે સરકારનું માત્ર 'માર્કેટિંગ'

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 40 હજાર શિક્ષક-38 હજાર ઓરડાની અછત, છતાં પ્રવેશોત્સવના નામે સરકારનું માત્ર 'માર્કેટિંગ' 1 - image

Image: AI



Shala Praveshotsav Reality: નવા સત્રનો પ્રારંભ થતાં જ સરકારી શળાઓમાં જોરશોરથી પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ મંત્રી, IAS, IPS અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. હકીકતમાં પ્રવેશોત્સવ એ માત્ર સરકારી તાયફો બની રહ્યુ છે તેનુ કારણ એ છે કે, ગુજરાતમાં શિક્ષણની સ્થિતી કથળી રહી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે. સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યાં છે. અનેક સરકારી શાળાઓમા એક વર્ગમાં બધા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. શિક્ષણની આવી ચિંતાજનક સ્થિતી સુધારવાને બદલે સરકાર મોટા ઉપાડે પ્રવેશોત્સવ ઉજવીને નવું સરકારી માર્કેટિંગ કરી રહી છે. એટલું જ નહીં, લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.

આ પણ વાંચોઃ પ્રીમિયમના નામે સરકારે રેતી-માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત બમણી કરી, મકાનો મોંઘા થવાની ભીતિ

40 હજાર શિક્ષકોની ઘટ

લાખોનો ધુમાડો કરીને દર વર્ષની જેમ આ વર્ષે જોરશોરથી સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે પણ ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતી દયનીય છે. હજારો વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાવી સરકાર જાણે કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તેમ ગુણગાન ગાઈ રહી છે પણ સવાલ એ ઉઠ્યો છે કે, વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? આખાય ગુજરાતમાં કુલ મળીને 40 હજાર શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. ભરતી કેલેન્ડર મુજબ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. શિક્ષકો વિના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી રહી છે. શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે નાછૂટકે વાલીઓ સંતાનોને ખાનગી શાળામાં એડમિશન અપાવી અભ્યાસ કરાવવા મજબૂર બન્યાં છે. શાળાઓમાં આજે 38 હજાર વર્ગખંડોની અછત પ્રવર્તી રહી છે. વિદ્યાર્થીઓને ક્યાં બેસાડીને અભ્યાસ કરાવવો એ સવાલ ઉઠ્યો છે. રાજ્યમાં 10 હજારથી વધુ ઓરડાઓ પડુપડુ અવસ્થામાં છે. ગ્રામ્ય-આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યાં છે.

5912 સરકારી શાળાઓને તાળાં લાગ્યાં, 341 શાળામાં એક ઓરડામાં બધા ધોરણ

શિક્ષણક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કડવી વાસ્તવિકતા એ છે કે, 5912 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યાં છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અને મર્જ કરવાના બહાને શાળાઓને બંધ કરી દેવાઈ છે. રાજ્યમાં 341 શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડામાં બધાય ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 2462 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે. આ શિક્ષક બધાય ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. હવે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ કેવો અભ્યાસ કરતાં હશે તેની કલ્પના કરવી રહી. 

આ પણ વાંચોઃ પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે

વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનો રેશિયો બગડ્યો

દેશમાં 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો જળવાયેલો રહ્યો છે ત્યારે ઝારખંડમાં 35 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક છે તો બિહારમાં 35 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. જ્યારે ગુજરાતમાં 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. આમ, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો રેશિયો પણ જળવાયેલો રહ્યો નથી. ગુજરાતમાં શિક્ષણની અધોગતિ થઈ રહી છે ત્યારે શિક્ષણનું સ્તર-સ્થિતી સુધારવાને બદલે સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા કરી રહી છે. 


Tags :