For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેલ્ફ ડ્રાઈવિંગ માટે ગાડી આપતા પહેલા ચેતી જજો! રાજકોટ જામનગરમાં બે શખ્સનું કરોડોનું કૌભાંડ, બંન્નેની ધરપકડ

Updated: Apr 26th, 2024

સેલ્ફ ડ્રાઈવિંગ માટે ગાડી આપતા પહેલા ચેતી જજો! રાજકોટ જામનગરમાં બે શખ્સનું કરોડોનું કૌભાંડ, બંન્નેની ધરપકડ

Rajkot: રાજકોટમાંથી 55થી વધુ કાર સેલ્ફ ડ્રાઈવિંગ માટે ભાડે લઈ તેને ગુજરાતભરમાં વહેંચી અથવા ગીરવે મૂકીને કરોડોનું કૌભાંડ આચરનાર આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગન કોટડીયા (ઉ.વ.૨૭, રહે, ખોડલધામ સોસાયટી ગેઈટ નંબર-૨, કોઠારીયા ગામ) અને બીલાલશા હસનશા શાહમદાર (ઉ.વ. 32, રહે હર્ષદ મીલની ચાલી, જામનગર)ની ક્રાઈમ બ્રાંચે વિધિવત ધરપકડ કરી છેતરપીંડીથી મેળવેલી રૂા. 3.51 કરોડની 47 કાર કબ્જે કરી છે. 

ક્રાઈમ બ્રાંચની તપાસમાં એવું ખુલ્યું છે કે, આરોપી બીલાલશાને લાખો રૂપિયાનું દેણું થઈ જતા તેણે કાનજી સાથે મળી આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. બન્ને આરોપીઓ સેલ્ફ ડ્રાઈવ માંટે કાર ભાડે લેતા હતાં. શરૂઆતમાં નિયમીત ભાડુ ચુકવી કાર માલીકોનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ તેની જાણ બહાર કાર વેંચી કે ગીરવે મુકી રોકડી કરી લેતા હતાં. આ રીતે બન્ને આરોપીઓએ ૫૫થી વધુ કાર ભાડે લીધા બાદ વેંચી કે ગીરવે મુકી દીધી હતી. 

જે અંગે આરોપીઓ સામે રાજકોટનાં બી-ડીવીઝન, તાલુકા પોલીસ, ગાંધીગ્રામ અને ભક્તિનગર પોલીસમાં કુલ પાંચ ગુના નોંધાયા હતાં. ક્રાઈમ બ્રાંચનાં એસીપી ભરત બસીયાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એમ.જે. હુણની ટીમ છેલ્લા ઘણા સમયથી તપાસમાં લાગી હતી. તપાસનાં અંતે 47 કાર કબ્જે કરી હતી. બાકીની કાર કબ્જે કરવા તજવીજ શરૂ કરી છે. 

ક્રાઈમ બ્રાંચનાં સુત્રોએ જણાવ્યું કે, આરોપી બીલાલ વિરૂધ્ધ રાજકોટ આર.પી.એફ.માં ડીઝલ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં પણ તે વોન્ટેડ હતો. આરોપી કાનજી પાસેથી બીલાલ સેલ્ફ ડ્રાઈવિંગ માંટે કાર ભાડે લેતો હતો. બદલામાં આરોપી કાનજીને કમીશન મળતુ હતું.જોકે શરૂઆતમાં તેને પણ આરોપી બીલાલ ભાડે લીધેલી કાર વેંચી કે ગીરવે મુકી દેતો હોવાની જાણ થઈ ન હતી. લાંબા સમય બાદ તેને આ બાબતે જાણ થઈ હતી. 

આરોપી બીલાલશાએ છેતરપીંડીથી મેળવેલી કાર સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, મોરબી, સુરત અને રાધનપુર સહિતનાં વિસ્તારોમાં ગીરવે કે વેંચી નાખી હતી. ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું કે, કાર ગીરવે કે વેંચાતી લેનારને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવશે. કાર વેંચાતી કે ગીરવે લેનાર પાર્ટીઓને કાર છેતરપીંડીથી મેળવાયાની જાણ થતાં અમુક તો ભુગર્ભમાં ઉતરી ગઈ હતી. બીજા મારફત ક્રાઈમ બ્રાંચ સમક્ષ કાર જમા કરાવી દીધી હતી. 

Gujarat