અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ
Amreli News: સિઝનની શરુઆતમાં અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, હવે જાણે મેઘરાજાએ મોં ફેરવી લીધું હોય તેમ લાંબા સમયથી વરસાદ ખેંચાયો છે. પરિણામે, લાઠી સહિતના પંથકમાં તળાવો અને ચેકડેમો ખાલીખમ થઈ ગયા છે.
લાઠીની જીવાદોરી સમાન ગાગડીયા નદીમાં આ સિઝનનું પૂર ન આવતાં નદી પરના ચેકડેમો અને તળાવો ખાલી જોવા મળે છે. ખાસ કરીને, ગાગડીયા નદી પર આવેલું હરિકૃષ્ણ સરોવર પણ ખાલીખમ થઈ ગયું છે. આ સ્થિતિને કારણે આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા છે.
વરસાદની ખેંચથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતો સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી તેમના પાકને જીવન મળે અને પાણીની સમસ્યા હળવી થાય. હાલની પરિસ્થિતિ જોતાં, જો આગામી દિવસોમાં વરસાદ ન આવે તો ખેતી અને પીવાના પાણીની સમસ્યા ગંભીર બની શકે છે.
આ પણ વાંચો: સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો