Get The App

સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો 1 - image


Sabar Dairy News: સાબરકાંઠાની સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં ડેરી દ્વારા દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ 995 રૂપિયા જાહેર કરાયો છે. જેમાંથી 960 રૂપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે, જ્યારે બાકીના 35 રૂપિયાનો વધારો 13 ઑગસ્ટે ચૂકવાશે. સભા દરમિયાન કોઈ જાતના વાદ-વિવાદ કે વિરોધ વિના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને તેમણે ડેરીના આ પગલાને આવકાર્યું છે.

આગામી વર્ષથી 30 જૂન પહેલા ભાવફેર ચૂકવવા ઠરાવ કરાયો છે. ચેરમેન-સેક્રેટરી સાથે નિયામક મંડળની મિટિંગો યોજવા પણ ઠરાવ કરાયો છે. મહત્ત્વનું છે કે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી બાદ ડેરીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા, અરવલ્લીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: વિસનગર પહોંચેલા અભિનેતા દિપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા

સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો

સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને ડેરીના આ ભાવ વધારાના નિર્ણયથી ફાયદો થશે. જણાવી દઈએ કે, સાધારણ સભા યોજાય તે પહેલા જ પશુપાલકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. પશુપાલકો દ્વારા જાહેરાત કરાઈ હતી કે જો સભામાં યોગ્ય ભાવ નહીં મળે તો 12 ઑગસ્ટથી અચોક્કસ મુદતનું આંદોલન શરુ કરાશે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબર ડેરીએ 395 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો. જોકે પશુપાલકો 20 ટકા ભાવ ફેરની માગ સાથે આંદોલન પર ઉતર્યા હતા. આ દરમિયાન 14 જુલાઈએ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર પંથકના પશુપાલકો રોડ પર આવીને વિરોધ કરી રહ્યા હતા. બાદમાં સાબર ડેરી દ્વારા ભાવફેરનું આશ્વાસન અપાયું હતું. જે અંગે આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો: VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ

Tags :