માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા
Manavadar News: જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગત દિવસોમાં માણાવદર અને બાંટવા વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્યના આક્ષેપો બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે, ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. તેમના દાવા અનુસાર, પોલીસની મીઠી નજર હેઠળ માણાવદર અને બાંટવા વિસ્તારમાં જુગારની ક્લબો ચાલી રહી છે. જેમાં દરરોજ પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. જે મામલે પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
પોલીસે દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા
માણાવદર પોલીસ સરદારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર ઉર્ફે કારો નામના એક શખ્સના ઘરે ત્રાટકી હતી. પોલીસે ઘરમાં ચાલી રહેલા ઘોડીપાસાના જુગારનો પર્દાફાશ કરીને કુલ 9 શખ્સને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં દિલાવર ઉર્ફે કારો અશલમ કુરેશી, ઈબાહિમ ઉર્ફે સનેડો નાસીર હિંગોરજા, સાજીદ અલ્લેખા કાથરોટીયા સહિત જેતપુર અને માણાવદરના અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂપિયા 37,100 રોકડા અને રૂપિયા 18,000ની કિંમતના 6 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 55,100નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો
ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ
માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો શનિવારે (9 ઓગસ્ટ) માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. લાડાણીએ આક્ષેપ કર્યા હતા કે, 'પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લેવામાં આવે છે. જુગાર કેસોના ટાર્ગેટ પૂરા કરવા માટે પોલીસ નિર્દોષ લોકોને ટોર્ચર કરે છે. આ મામલે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'
ધારાસભ્ય અરવિંદ લાડાણીના આરોપ પર પોલીસની પ્રતિક્રિયા
અરવિંદ લાડાણીએ આરોપ મુદ્દે DySP દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, જુગારની રેડમાંથી ફરાર આરોપીએ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ગેરમાર્ગે દોર્યા છે. બાંટવા પોલીસ શનિવારે (9 ઓગસ્ટ) જુગારધામો પર દરોડા પાડવા ગઈ હતી. જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 12 આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસની છબી ખરડાવવા માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે.