Get The App

ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો

સવારથી જ વાદળીયું વાતાવરણ ઃ ગરમીની ઋતુમાં અચાનક તાપમાનમાં નોંધાયેલો ઘટાડો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો  વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો 1 - image

વડોદરા, તા.7 વડોદરામાં આજે ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો. મોડી સાંજે ૩૫ કિલોમીટરની ઝડપે વંટોળીયા સાથે વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો ભીના થઇ ગયા હતાં. આ સાથે જ વાતાવરણમાં ઠંડક  પ્રસરી હતી. સાંજના સમયે ફૂંકાયેલા પવન અને વરસાદના કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વાદળીયુ વાતાવરણ રહ્યું હતું. ગરમી બિલકુલ ગાયબ થઇ ગઇ હોય તેવો માહોલ સર્જાયો હતો. સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે છથી સાડા છ વાગ્યાની વચ્ચે જોરદાર પવન ફૂંકાયો  હતો. હવામાન વિભાગમાં આ સમયગાળા દરમિયાન પવનની ૩૫ કિલોમીટરની ઝડપ નોંધાઇ  હતી.

મિની વાવાઝોડા સમાન આ પવનની સાથે સાથે વરસાદ પણ વરસ્યો  હતો. સાંજના સમયે ઓફિસથી ઘર તરફ પ્રયાણ કરતા લોકોએ તોફાની પવનની સાથે વરસાદનો પણ સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હજી બે દિવસ વરસાદની સાથે વાતાવરણ નીચું રહેશે. આજે સાંજે તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સુધી ગગડી ગયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરામાં આજે દિવસે મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીના ઘટાડા સાથે ૩૩.૪ અને લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ૦.૮ ડિગ્રીના ઘટાડા સાથે ૨૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૯ ટકા અને સાંજે ૫૫ ટકા હતું. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે ગરમી પણ ગાયબ થઇ ગઇ હોય તેવો માહોલ સર્જાયો હતો.