Get The App

ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર એન્ટ્રી: 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર એન્ટ્રી: 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે 1 - image


Rain and Storm alert : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે શનિવારે (14 જૂન) અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ગોંડલ, સુરત, નવસારી, તાપી, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે 14 જૂને રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટેનું Nowcast જાહેર કર્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ 

હવામાન વિભાગના 14 જૂનના Nowcast મુજબ, રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે ભાવનગર, બોટાદ, ભરૂચ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લામાં ગાજવીજ અને 62-87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 

જ્યારે અમદાવાદ, ખેડા, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 41થી 61 કિ.મી.ની ઝડપે અને પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં 40કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા છે. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં અમદાવાદમાં અચાનક રાત્રે 8 વાગ્યે વાતાવરણ પલટાતા અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો, ત્યારે હાઈવે પર વિઝિબિલિટી ઘટતાં અનેક લોકો પોતાના વાહનો રોડની સાઈડમાં મુકી ઉભા રહેવા મજબૂર બન્યા હતા. જેમાં બાઈક ચાલકોની હાલત કફોડી બની હતી. જ્યારે ત્યારબાદ અમદાવાદના મકરબા, ઈસ્કોન, પ્રહલાદનગર, બાપુનગર, વાડજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં બપોરની શરૂઆત પહેલાથી ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, ત્યારે રાત્રે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, લોધિકા, પાંચવડા, સાણથલી વિસ્તારોમાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વીજળી અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબકતાં રાકજોટના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાનું સામે આવ્યું છે.

15 જૂને આ જિલ્લામાં થશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

16 જૂનની આગાહી

રાજ્યમાં 16 જૂને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, 15-16 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ: ગોંડલ, અમરેલીમાં મેઘરાજાની પધરામણી, રાજકોટમાં વીજળી ગુલ

આ પણ વાંચો: VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન-વીજળી સાથે વરસાદ

આ પણ વાંચો: દાહોદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, મુવાલિયા ગામમાં વીજળી પડતાં પિતા-પુત્રનું મોત

Tags :