VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન-વીજળી સાથે વરસાદ
Rain In Amreli : ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે પવન-ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 15થી વધુ જિલ્લામાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા, ધારીના ગ્રામ્ય પંથક, ખાંભા ગીર, વડિયા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો છે.
અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં આજે શનિવારે (14 જૂન) અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલીના બગસરા, બાબરા, ખાંભા, વડિયા, કુંકાવાવ અને ધારી સહિત ગામડાંઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ધારીના ચલાલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતા.
ખાંભા-ગીરના લાસા, ધાવડીયા, ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ જોરદાર વરસાદ થયો હતો. લાસા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. જ્યારે અમરેલીના બાબાપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
બગસરાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ગરમી-ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં હાલરીયા, હુલરીયા, હામાપુર, રફાળા સહિત આસપાસના ગામડાંઓમાં વરસાદ તયો હતો. જ્યારે ધારી ગીરના ગોપાલગ્રામ, સરંભડા ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. આ સાથે આજે બપોર બાદ વડિયાના ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વડિયા આસપાસના મોરવાડા, તોરી, રામપુર, કુંકાવાવ, મેઘાપીપલીયા, અમરાપુર, ખાખરીયા સહિતના ગામડાંઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
15 જૂને આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.