ગુજરાતમાં વીજળી પડવાના કારણે એક જ દિવસમાં 4ના મોત, રાજકોટ-અમરેલીમાં મુશળધાર વરસાદ
Heavy rain in Gujarat: ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આજે શનિવારે (14 જૂન) ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 14થી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદમાં સાંજના સમયે આવેલા ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું કરુણ મોત
રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે 14 જૂને દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મુવાલિયા ગામે ફળિયામાં બેઠેલા 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષ પર વીજળી પડી હતી. પિતા-પુત્ર પર વીજળી પડતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંનેને દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો હતો.
માંગરોળમાં વીજળી પડતાં 40 વર્ષીય મહિલાનું મોત
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળના કંટવાવ ગામે વીજળી પડતાં 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પતિ સાથે ખેતરમાં કામ કરવા જતી વખતે વીજળી પડતાં સુનિતા ચૌધરી નામની મહિલાનું મોત નીપજ્યું હતું.
રાજકોટમાં વીજળી પડતાં 43 વર્ષીય વ્યક્તિનું મોત
રાજકોટના રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં વીજળી પડવાથી 43 વર્ષીય દલુભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત હતું. તેમજ રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે ગાજવીજ સાથેના વરસાદમાં વીજળી પડતાં 14 જેટલા ઘેટા-બકરાના મૃત્યું નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન-વીજળી સાથે વરસાદ
અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં આજે શનિવારે (14 જૂન) અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા, ધારીના ગ્રામ્ય પંથક, ખાંભા ગીર, વડિયા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
15 જૂને આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.