Gujarat

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર - ઠેર દરોડા

By GS TEAM
14 Jun 20262 mins read
ટેન્સાઇલ  કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર - ઠેર દરોડા

વડોદરા,માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીની અંદાજે ૩૦૦ કરોડની જમીનના વિવાદમાં હજી બે આરોપીઓ ફરાર છે.  બંને  આરોપીઓને શોધવા પોલીસની ટીમ દોડધામ કરી રહી છે.પરંતુ, તેઓ હજી  હાથમાં આવ્યા નથી.

માંજલપુર વિસ્તારમાં આવેલી અને વર્ષોથી બંધ પડેલી  ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ૮૭ ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે બોગસ લીઝ ડીડને આધારે ૧૦ કરોડ લઇ જમીન ભાડે આપી દેવાના કારસા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ડીડ  બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ,જમીન લીઝ પર લેનાર અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન,ટેન્સાઇલના ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને જમીનનો કબજો લેવા માણસો સાથે ધાક ધમકી  આપનાર જૈમિન ગાંધી સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો. આ  કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ લીધા  હતા. એક દિવસનો  રિમાન્ડ પૂરો થતા તમામને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.   આ કેસમાં  હજી બે આરોપીઓ અમિત મુકેશભાઇ શાહ તથા અમદાવાદના ભાવેશ અમીનને પકડવાના બાકી છે. જ્યારે આ કેસમાં સામા પક્ષ દ્વારા સંજય પટેલ તથા અન્ય સામે થયેલી અરજી હજી  પેન્ડિંગ છે. પોલીસે અલગ - અલગ ટીમ બનાવી આરોપીને પકડવા તેમના ઘર,ઓફિસ તથા સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડયા છે. પોલીસનું કહેવું છે કે,  આ કેસમાં બંને પક્ષે પોતે ડાયરેક્ટર હોવાના દાવા થઇ રહ્યા છે. જેથી, સાચી  વિગતો મેળવવા માટે આર.ઓ.સી.(રજિસ્ટાર ઓફ કંપની) ને  પત્ર લખવામાં આવ્યો છે. તેમજ તા.૭-૧-૨૬ના રોજ જસ્ટિસ એસ જે કાથાવાલા સમક્ષ સમાધાન થયું હતું અને આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સ પણ કરાયું હતું.તેની વિગતો  પણ પોલીસ એકત્રિત કરી રહી છે.