રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન
Rahul Gandhi to visit Gujarat: લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આગામી 26 જુલાઈ(શનિવાર)ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તાલીમ શિબિરમાં હાજરી આપશે. આ અંગે નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે (24 જુલાઈ) પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.
આગામી 26 જુલાઈએ ગુજરાત આવશે રાહુલ ગાંધી
વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ કહ્યું કે, 'ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરાઈ છે. આવનારા સમયમાં 2027નો રોડ મેપ નક્કી કરાશે. લોકોના અવાજને કઈ રીતે બુલંદ કરી શકાય તેને લઈને રોડ મેપ નક્કી કરવા માટે કોંગ્રેસ પ્રદેશ કમિટિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની ત્રણ દિવસની તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ શિબિરમાં માર્ગદર્શન આપશે. તેઓ આગામી 26 તારીખે 10 વાગ્યે વડોદરા ઍરપોર્ટ પર આગમન કરશે. ત્યાંથી તેઓ આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ જશે, 26થી 28 જુલાઈ સુધી ચાલનારી ત્રણ દિવસની તાલીમ શિબિરનું ઉદ્ધાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે ચાર કલાકનો સમય વિતાવશે. આ શિબિરમાં કોંગ્રેસની આગામી અઢી વર્ષની કોંગ્રેસની વ્યૂહનીતિ નક્કી થશે. કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરીને આ ચૂંટણીઓ એકલા હાથે લડશે. હાલ પૂરતું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની કોઈ વાતચીત નથી.'
રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો છે: દિલીપ સંઘાણી
ઈફ્કોના ચેરમેન અને સહકારી નેતા દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો છે. કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિક તાણાવાણાની ખબર નથી. ક્યારે કઈ જગ્યાએ શું બોલવું તે તેના સલાહકાર જે લખીને આપે તે વાંચીને કે યાદ રાખીને બોલે છે. ત્યારે આ જનતાની લાગણી, જનતાની જરૂરિયાત, જનતાની સુવિધા અને સલામતી કઈ દિશાથી આવી શકે તેનું જ્ઞાન ન હોય તો લોકો મજા લે છે. રાહુલ ગાંધી આવશે તો ગુજરાતીઓ થોડા દિવસ મજા લે છે.'
રાહુલ ગાંધીની ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ અને ત્યારબાદ 8 અને 9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સિવાય અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ હવે તેઓ 26થી 28 જુલાઈ, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે.