'જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે'...ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર
AAP Rally in Dediapada: ડેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાના 'ખોટા કેસ અને ધરપકડ'ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. આ જનસભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, AAP મહામંત્રી સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે: કેજરીવાલ
સભાને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરુ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરુ કરી. ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતાં કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમને હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે એણે ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું. તેમણે 'જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે'ના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી. આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને AAP કાર્યકરો ઉમટી પડ્યા હતા, જે ચૈતર વસાવાના સમર્થનમાં મજબૂત જનમત દર્શાવે છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો
ઈશુદાન ગઢવીનો હુંકાર
ડેડિયાપાડાથી સંબોધન કરતાં AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હુંકાર કર્યો હતો કે, 'આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી સમાજ અને ચૈતર વસાવા સાથે અડીખમ ઊભી છે. જ્યારે પણ ભાજપ આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે ત્યારે આદિવાસી સમાજ વતી લડવા આમ આદમી પાર્ટી હંમેશા હાજર રહેશે. ભાજપને પડકાર ફેંકતા ગઢવીએ કહ્યું કે, આદિવાસી સમાજ પોતાના હીરો ચૈતર વસાવાને કેટલો પ્રેમ કરે છે તે ભાજપને જોવું હોય તો આવી જાઓ ડેડિયાપાડા.
ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહારો
AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં કહ્યું કે, 'ભાજપના નેતાઓ મનરેગા યોજનામાં આદિવાસી સમાજના હકના 2500 કરોડ રૂપિયા ખાઈ ગયા. તેમણે દાવો કર્યો કે, ચૈતરભાઈએ આ કૌભાંડનો ખુલાસો કર્યો એટલે ભાજપે તેમને જેલમાં ધકેલી દીધા.' ઈટાલિયાએ ચૈતર વસાવાના સમર્થનમાં જણાવ્યું કે, 'જ્યારે પણ ચૈતરભાઈને જરૂર પડી ત્યારે જનતા અને આખી આમ આદમી પાર્ટી હાજર રહી છે અને રહેશે.'
ભાજપ દ્વારા ચૈતર વસાવા પર ખોટા કેસ કરવા પાછળનું કારણ જણાવતા ઈટાલિયાએ કહ્યું કે, 'ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે એટલે ભાજપના પેટમાં દુઃખે છે કે આદિવાસી સમાજનો એક યુવાન ધારાસભ્ય કઈ રીતે બની ગયો! ધારાસભ્ય તો બની ગયો પણ એના પછી આખા ગુજરાતમાં તેની વાહવાહ કેમ થાય છે! આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા, જે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પ્રત્યેનું સમર્થન દર્શાવે છે.