વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય
Vadodara : વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ હવે વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગ કાર્યાલય ખાતે પ્રેસ યોજી સ્મશાનોના સંચાલનની પ્રક્રિયા અગાઉની માફક યથાવત રાખવાનો નિર્ણય કરવાની નોબત આવતા સ્મશાનના ખાનગીકરણના મનસ્વી નિર્ણય સામે સવાલો ઊભા થયા છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં સ્મશાનના ખાનગીકરણને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે, જેથી આ વિવાદથી બહાર નીકળવા તથા લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં અગાઉ જે પ્રકારે સ્મશાનોનું સંચાલન થતું હતું તે પ્રકારે જ થશે, સ્મશાનોની સંખ્યા વધતા ટ્રસ્ટ સિવાયના સ્મશાનોમાં વ્યવસ્થા ઊભી કરવા કોર્પોરેશનને એક પ્રક્રિયા અનુસરવી પડે છે, અગાઉની સ્થિતિ મુજબ સ્મશાનોનું સંચાલન થાય તેવો આગ્રહ ભાજપ તરફથી રહ્યો છે અને રહેશે.
સ્મશાનોમાં સુવિધા ઉભી કરવાના સ્થાને ખાનગીકરણમાં રસ દાખવ્યો !
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના અનેક સ્મશાનોમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તે સુવિધા ઉભી કરવાના સ્થાને તથા જે સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપી રહી છે તેને સગવડતાનો વિચાર કરવાના સ્થાને સંસ્થાઓને અચાનક હટાવી તેઓના અપમાનસમા આવા ઉતાવળિયો નિર્ણય કરાયો હોય તે અંગે પ્રમુખનું કહેવું હતું કે, નિર્ણય માર્ચ મહિનાનો છે ઓચિંતો થયો નથી, પરંતુ અમલીકરણનો સમય આવે એટલે મુદ્દો ઊભો કરવાનો વિષય છે.
ભાજપની સંકલનમાં હોદ્દેદારો વચ્ચે ઊંડી ચર્ચા બાદ ખાનગીકરણનો નિર્ણય થયો હતો
વધુમાં કહેવું હતું કે, સંસ્થાને કાઢી મુકી હોય તેવી વાતો વહેતી થઈ છે, સંસ્થા અમારી સાથે છે અને આગળ આવવાની તૈયારી બતાવી છે, સુવિધા ઉભી કરવાની વાત છે તો રાતોરાત ન થાય સમયાંતરે વિકાસ ચોક્કસ થાય છે, અહીં મહત્વની વાત એ છે કે, સ્મશાનોના ખાનગીકરણ અંગે અગાઉ મળેલી ભાજપની સંકલન બેઠકમાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઊંડી ચર્ચા કર્યા બાદ લીલીઝંડી આપી હતી, હવે સ્મશાનોના ખાનગીકરણનો નિર્ણય પરત ખેંચવાની નોબત આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સ્મશાનોમાં સેવા માટે વ્યક્તિ અથવા સંસ્થા આગળ આવી શકે છે
શહેરના ખાસવાડી, વડીવાડી અને માંજલપુર સ્મશાનનું સંચાલન જલારામ ટ્રસ્ટ, છાણી સ્મશાનનું સંચાલન સતીશ પટેલ તથા ટ્રસ્ટ, નિઝામપુરા સ્મશાનનું સંચાલન પૂર્વ મેયર ભરતભાઈ અગાઉ જે પ્રકારે સ્મશાનમાં સેવા આપતા હતા તે આપી શકશે. આ ઉપરાંત સ્મશાનમાં વ્યવસ્થા ઉભી કરવાની આવશ્યકતા જણાશે તો કોર્પોરેશન અથવા ટ્રસ્ટ સાથે સંકલન કરી સેવા આપી શકશે, અગાઉ કુલ 31 સ્મશાનો પૈકી 26 સ્મશાન કોર્પોરેશન સંચાલિત અને 5 સ્મશાન ટ્રસ્ટ સંચાલિત હતા તે મુજબ યથાવત રહેશે.
સ્મશાનના ખાનગીકરણ સામે ભાજપના ધારાસભ્યના પણ વિરોધ હતો
આ મામલે અગાઉ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે, સ્મશાનના ખાનગીકરણનું અમલ થતાં જ લોકોમાં ઘણી ગેરસમજો ઊભી થઈ છે , ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આજે સ્મશાનોનું કામ સારી રીતે કરી રહી છે, આઉટસોર્સિંગથી કામગીરી કેમ કરાવવી તે અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે, સામાન્ય રીતે મૃત્યુ પછી કરાતી ક્રિયા સાથે નાગરિકોની ખૂબ જ અંગત લાગણી જોડાયેલી હોય છે, જેમાં ફેરફાર થાય તો નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચે છે.
31 સ્મશાનોમાં 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગનો નિર્ણય હતો
કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનો છે, સંસ્થાઓ કૉર્પોરેશન પાસે એક પણ રૂપિયો લીધા વગર સંચાલન કરતી હતી, પાલિકા દ્વારા લાકડા આપવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા સ્મશાનોના સુચારું સંચાલનના દાવા સાથે તમામ સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપતા વિરોધ થયો હતો, કોર્પોરેશને શહેરના તમામ 31 સ્મશાનોનું 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગ દ્વારા ત્રણ સંસ્થાને સંચાલન સોંપ્યું હતું.
મેયર, ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
આ પત્રકાર પરિષદમાં મેયર પિન્કીબેન સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ, કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ .શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, નેતા મનોજ પટેલ , મહામંત્રી સત્યેન ગુલાબકર ,રાકેશ સેવક સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.