Get The App

ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઇલ નહીં..., લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઇલ નહીં..., લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય 1 - image


Patan News: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો અને દેખાડાની પ્રથાઓને નિયંત્રિત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રામદેવપીરના મંદિરે યોજાયેલી એક બેઠકમાં, સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ એકસાથે મળીને એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરુ કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ

લગ્ન પ્રસંગના ખર્ચા પર અંકુશ માટેના મુખ્ય નિયમો:

ઠાકોર સમાજની સમિતિ દ્વારા લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતાં બેફામ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  • ડી.જે પર પ્રતિબંધ: લગ્ન પ્રસંગે ડીજે વગાડવા, હલ્દી રસમ કરવી, આતશબાજી માટે ફટાકડા ફોડવા અને વીડિયો શૂટિંગ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • મોબાઇલ ભેટ પર રોક: સગાઈના સમયે યુવતીઓને મોબાઇલ ફોન ભેટમાં આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. જેનો હેતુ યુવતીઓને મોબાઇલના દુરુપયોગથી બચાવવાનો દાવો કરાયો છે.
  • મામેરું: મામેરાની રકમ હવે રૂપિયા 11,000થી લઈને મહત્તમ રૂપિયા 1 લાખની રોકડ રકમ સુધી સીમિત કરવામાં આવી છે.
  • જાનની સંખ્યા: જાન લઈને જતી વખતે માત્ર 5થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે, જેથી બિનજરૂરી ખર્ચ અને દેખાડો ટાળી શકાય.

આ પણ વાંચોઃ માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બૅન્ક ધિરાણ માફ કરો

નિયમભંગ બદલ કડક દંડ 

સમાજના અગ્રણી સોનાજી ઠાકોરએ જણાવ્યું કે, આ નિયમો મહેમદાવાદ ગામના ઠાકોર સમાજ પૂરતા મર્યાદિત છે અને તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઈ પરિવાર કે સભ્ય આ નિયમોનો ભંગ કરશે, તો સમિતિ દ્વારા તેમને રૂપિયા 11,000નો દંડ કરવામાં આવશે. દંડમાંથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ સમાજના વિકાસના કાર્યો, ખાસ કરીને શૈક્ષણિક વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે. સમાજના યુવાનો, આગેવાનો અને વડીલોએ સર્વસંમતિથી આ પરિવર્તનના નિર્ણયને સ્વીકાર્યો છે, જે સમાજની એકતા અને સુધારણા પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Tags :