માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બૅન્ક ધિરાણ માફ કરો

Gujarat Unseasonal Rain: માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે. આ જોતાં ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. પાક નુકસાનીનો સરવે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે, ખેતીને એટલું નુકસાન પહોચ્યું છે કે, સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી.
સરકારી નિર્ણયોમાં વિસંગતતા
ચાલુ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે લાભદાયી ઓછુ નિવડ્યું છે જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે. ભારે વરસાદ વરસતાં લગભગ ચોમાસું પાક લઈ શકાયો નથી. હજુ તો પાક નુકસાનીના સરવેને લઈને ખુદ સરકારમાં જ વિસંગતતા સર્જાઈ છે કેમ કે, કૃષિવિભાગના પરિપત્ર મુજબ, 20 દિવસમાં સરવે આટોપી લેવાશે. કૃષિમંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે, સાત દિવસમાં સરવે પૂર્ણ થઈ જશે. હવે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, ત્રણ દિવસમાં સરવે પૂર્ણ કરીને પેકેજ જાહેર કરાશે. હવે સાચુ શું? હજી સુધી સરકાર નક્કર નિર્ણય પણ કરી શકી નથી પરિણામે ખેડૂતો રોષે ભરાયા છે. એટલું જ નહીં, વિસંગતતા ઊભી થતાં ખેડૂતોની સરકાર પ્રત્યે વિશ્વસનીયતા ઘટી છે.
દેવું માફ કરવાની માંગ
ખેડૂતોનું કહેવું છે કે, મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેત મજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાહ થઈ છે. બૅન્કમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે સાથે ખેડૂતોનું બૅન્ક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોએ સવાલ કર્યો છે કે, જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?
ભાજપના ધારાસભ્યોએ બંક ધિરાણ માફ કરવાની માંગ કરી સરકારને ભેખડે ભરાવી
ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, કેટલાક ધારાસભ્યોએ જ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બૅન્ક ધિરાણ માફ કરવા સરકારમાં રજૂઆત કરી છે, જેથી સરકાર ભેખડે ભરાઈ છે. હજુ પાક સહાયના જ ઠેકાણા નથી ત્યાં બૅન્ક ધિરાણની ક્યાં માંડવી. તેનું કારણ એ છે કે, જો સરકાર કૃષિ પેકેજ ઉપરાંત બૅન્ક ધિરાણ માફ કરે તો સરકારી તિજોરી પર ભારણ વધી શકે તેમ છે જે હાલ સરકારને પોષાય તેમ નથી. આ જોતાં ભાજપના ધારાસભ્યો જ ભાજપ સરકારની મુશ્કેલી વધારી રહ્યા છે.
ખેડૂતોમાં રોષ
હજુ પાક સહાય ક્યારે મળશે તે નક્કી નથી ત્યારે કૃષિ સહાય અને બૅન્ક ધિરાણ માફ કરવાની માંગ પૂરી નહીં થાય તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ખેડૂતોની નારાજગી ભારે પડી શકે તેમ છે.

