રાધનપુરમાં લુખ્ખા બેફામ, સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી માટે નિર્દોષ શ્રમિકને માર માર્યો

Radhanpur News: સોશિયલ મીડિયા પર રોજ નવા નવા કિસ્સા સાંભળવા મળે છે. સસ્તી પબ્લિસિટી મેળવવાની લાયમાં યુવાધન બેફામ બન્યું છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં ચાર લુખ્ખા તત્વોએ એક શ્રમિકને નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદો અને પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતે લુખ્ખા તત્વોને બેફામ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના બહાને ચાર લુખ્ખા તત્વોએ એક શ્રમિક યુવકને નિર્દયતાથી માર માર્યો હતો જેના કારણે શ્રમિક લોહીલુહાણ થઈ ગયો. પરંતુ આ ઘટનાની પરાકાષ્ઠા તો એ હતી કે, આ કૃત્યનો વીડિયો લુખ્ખાઓએ કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ ગર્વથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી.
આ પણ વાંચો: બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ
યુવકને જાનથી મારી નાખવાની આપી ધમકી
આ ચારેય લુખ્ખા તત્વોએ શ્રમિક યુવકને એટલો માર્યો હતો કે, તે ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ થઈ ગયો હતો. તેમ છતાં પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાથી શ્રમિક યુવક ડરી ગયો હતો અને તેણે પોલીસનો સહારો લીધો હતો. શ્રમિક યુવકે આ ચાર અજાણ્યા શખ્સો સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરુ કરી છે.
લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ
આજ કાલ સસ્તી પબ્લિસિટી માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને નિર્દોષ લોકોને નિશાન બનાવવાની અને હિંસક કૃત્યો સમાજ માટે ગંભીર અને ચિંતાનો વિષય છે. લુખ્ખા તત્વોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. પોલીસે તાત્કાલિક આવા લુખ્ખાતત્વોને ઝડપીને જાહેરમાં પાઠ ભણાવવો જોઈએ જેથી અન્ય લોકોને પણ કાયદાનો ડર રહે. હાલમાં પોલીસે આરોપીઓને પકડવા માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી રીલના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે.

