સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પશુ પક્ષી ની લે વેચ નું સત્તાવાર કામ કરતા વેપારીના કર્મચારીને જબરજસ્તી કાચબાના સોદાની કબૂલાત કરાવવા માટે ફોરેસ્ટ વિભાગના કર્મચારી તેમજ એનજીઓના કાર્યકર દ્વારા ઉઠાવી જઈને ઢોર મારવામા આવ્યો હોવાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
નાગરવાડા ગેટ ફળિયામાં રહેતા રાકેશ વસાવા એ પોલીસને કહ્યું છે કે, છેલ્લા 23 વર્ષથી હું પશુ પક્ષીઓની લે વેચ કરતા સાદીક અનવર એહમદ શેખ ને ત્યાં કામ કરું છું. મારા શેઠ રજીસ્ટ્રેશન વાળું ગોડાઉન ધરાવે છે.
ગત તા 18મી એ સવારે હું ગોડાઉન પર હતો ત્યારે ગૌતમ પાદરીયા નામના મારા પરિચિતનો ફોન આવ્યો હતો અને તેમણે એક કસ્ટમરને ત્રણ જોડી લવ બર્ડ્સ ની જરૂર છે તેમ કહી બે માણસોને લઈને આવ્યા હતા. સાદા ડ્રેસમાં આવેલા બંને માણસો ફોરેસ્ટ વિભાગના હોવાનું મને પછી ખબર પડી હતી.
રાકેશ વસાવાએ કહ્યું છે કે, હું સ્કૂટર પરથી ઉતરીને ગોડાઉન તરફ જતો હતો તે વખતે સાદા વેશમાં આવેલા બંને જણાએ મને ધક્કો મારી પાડ્યો હતો અને લાતોથી માર માર્યો હતો. હું કાંઈ સમજુ તે પહેલા બીજા એ ફોન કરીને કોઈને બોલાવતા ફોરેસ્ટ વિભાગના એક મેડમ અને અન્ય કર્મચારીઓ આવી ગયા હતા. તેમણે ત્રણ સ્ટાર વાળા કાચવાનું વેચાણ કરો છો તેમ કહી ઢોર માર માર્યો હતો અને જીપમા ફોરેસ્ટની કમાટી બાગ ખાતેની ઓફિસે લઈ ગયા હતા. આ વખતે એનજીઓ ચલાવતા રમેશભાઈ પણ ત્યાં હાજર હતા.
અહીં પણ મને માર મારવામાં આવ્યો હતો અને ઝઘડિયાની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. મારા શેઠ મને મળવા આવ્યા ત્યારે પણ તે લોકોએ મને મળવા દીધો ન હતો અને ગુનો કબુલાત કરવા માટે બુટ અને લાભથી માર મારતા મારા કાનનો પડદો ફાટી ગયો હતો. મારી પાસે ગુનો કબુલાત કરાવવા ઘાંચી સાહેબ દ્વારા વિડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ મારા શેઠ વકીલને લઈને આવતા રાત્રે મને જવા દેવામાં આવ્યો હતો.
ઉપરોક્ત ફરિયાદને આધારે કારેલીબાગ પોલીસે મીનાબેન પરમાર, સરફરાજ ઘાંચી, સિકંદર માકડ, શૈલેષભાઈ વસાવા, અશ્વિનભાઈ બારૈયા, અન્ય ચાર ફોરેસ્ટ કર્મચારી, મુંબઈની વાઇલ્ડ લાઇફ ક્રાઈમના બે માણસ, ગૌતમ પાદરીયા અને વડોદરા ના રમેશભાઈ સામે ગુનો દાખલ કર્યો છે.

