કયા કપડાં પહેરું?' યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા
Image: AI |
Negative Impact of AI on Human: છેલ્લા પાંચ વર્ષથી દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ વધી રહ્યો છે. Gemini, ChatGPT અને Meta જેવા પ્લેટફોર્મ પ્રોફેશનલ્સ માટે વરદાન સાબિત થયા છે, પરંતુ આ જ ટૅક્નોલૉજી હવે યુવા પેઢી માટે એક ગંભીર માનસિક સંકટનું કારણ બની રહી છે. રોજબરોજના જીવનની અત્યંત સામાન્ય બાબતો, જેમ કે આજે કયા કપડાં પહેરવા? ગાડી ક્યાં પાર્ક કરવી? કે પછી 'સર્કલ પરથી ડાબે વળવું કે જમણે? આવા નાના-નાના નિર્ણયો લેવા માટે પણ યુવાનો AI પર નિર્ભર થઈ રહ્યા છે, જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી રહી છે.
આ પણ વાંચોઃ સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ
જાતે નિર્ણય લેવાની શક્તિમાં કમી
આ ચોંકાવનારો ટ્રેન્ડ માત્ર વિદેશોમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના એક જાણીતા માનસશાસ્ત્રીએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકા, કેનેડા અને ભારતમાં કિશોરો તથા યુવાનોમાં AI પરની આ નિર્ભરતા એક સમાન સ્તરે વધી રહી છે. હાલમાં અમારી પાસે અઠવાડિયે એક-બે કિશોર દર્દીઓ આ પ્રકારની સમસ્યા લઈને આવે છે, જેમાં તેઓ જાતે નિર્ણય લઈ શકતા નથી. પરંતુ આ તો માત્ર શરુઆત છે. અમને ભય છે કે આગામી ભવિષ્યમાં નબળી નિર્ણય શક્તિ ધરાવતા દર્દીઓનો રાફડો ફાટશે.'
આ પણ વાંચોઃ સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના
નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા
નિષ્ણાતોના મતે, આ સ્થિતિને 'અનિર્ણયાત્મકતા' કહે છે. જેમાં સામાન્ય લાગતો વ્યક્તિ પણ એક નાનકડા કામ માટે લાંબા સમય સુધી વિચાર્યા કરે છે અને વિવિધ વિકલ્પોની સરખામણીમાં જ અટવાઈ જાય છે. આ માનસિક નબળાઈને AIના વધુ પડતા ઉપયોગથી સીધો સંબંધ છે. જે કામ મગજે કરવાનું છે, તે કામ AI પાસે કરાવવાની આદત વ્યક્તિની કુદરતી વિચાર પ્રક્રિયાને નુક્શાન પહોચાડે છે. જો આ નિર્ભરતા વધતી જશે તો આગામી સમયમાં સમાજમાં મોટી સંખ્યામાં એવા લોકો હશે જેઓ આત્મવિશ્વાસ સાથે નાના-મોટા કોઈ નિર્ણય લઈ શકશે નહીં, જે એક મોટી સામાજિક સમસ્યા બની શકે છે.