સમજ બહારના આંકડા: ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ, પરંતુ રસ્તા પર ગાડીઓ 45 લાખ
(IMAGE - ENVATO) |
Gujarat Income Tax gap Car Ownership: આર્થિક વૃદ્ધિ અને પ્રજાની સમૃદ્ધિમાં દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત અનેકગણું આગળ છે. ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યો માટે આદર્શ ગણવામાં આવે છે. પરંતુ, ઇન્કમ ટેક્સમાં કરપાત્ર આવકના લોકસભામાં જાહેર થયેલા આંકડાઓ સાથે રાજ્યમાં કારના વાર્ષિક વેચાણ સાથે મેળ જોવા મળતો નથી. રાજ્યમાં વર્ષ 2024-25માં કુલ 1.47 લાખ લોકોએ પોતાની આવક રૂ. 12 લાખ કે તેથી વધારે હોવાનું રિટર્ન ફાઇલ કર્યું છે. રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા સામે રાજ્યમાં દર વર્ષે વેચાતી કારની સંખ્યા વધારે છે !
રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા સામે દર વર્ષે વેચાતી કારની સંખ્યા વધારે
મોટરકાર અત્યારે લક્ઝરી નહીં પણ પરિવહન માટે જરૂરી ગણવામાં આવે છે. જૂન 2025 સુધીમાં એટલે કે 6 મહિનામાં ગુજરાતમાં કુલ 1.98 લાખ કારની નોંધણી રાજ્યની 37 રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસ(આરટીઓ)માં થઈ છે! રૂ. 12 લાખની આવક સામે કારની સંખ્યા અસમતુલા દર્શાવે છે.
કાર વેચાણમાં એસયુવીનો દબદબો
કારના વેચાણમાં બે મહત્ત્વની બાબતો પણ જાણવી જરૂરી છે. સરકારના વાહન ડેશબોર્ડના આધારે આ એવી કારની નોંધણીનો આંકડો છે જેમાં ટેક્સી કે અન્ય પ્રકારે પેસેન્જરની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી ગાડીઓની સંખ્યાનો સમાવેશ નથી. બીજું, અત્યારે દેશમાં કાર ખરીદીમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નાની અને હેચબેક કાર સામે મોટાભાગની ગાડીઓ સ્પોટ્ર્સ યુટીલીટી વ્હીકલ હોય છે. કાર ઉત્પાદકોના અંદાજ અનુસાર દેશમાં 50 ટકા કરતાં વધારે વેચાણ એસયુવીનું છે. આવી એસયુવીની કિંમત રૂ.10 લાખ કે તેથી વધારે હોય છે.
ગુજરાતમાં આવક અને કરચોરીનું ગણિત
કારની ખરીદી રોકડેથી નહીં પણ લોન લઈ થતી હોય છે અને ધિરાણ આપતી કંપનીઓ હપ્તો ભરવાની ક્ષમતા ઇન્કમ ટેક્સ રિટર્ન અને આવકના અન્ય દસ્તાવેજોના આધારે કરતી હોય છે. જોકે, દર મહિને થતી ગાડીઓની ખરીદી અને નોંધણીના આંકડાઓ ગુજરાત અને દેશમાં વ્યાપક કરચોરી થતું હોવાની ચાડી ખાય છે. એક, ગુજરાતમાં રૂ.1000 કરોડ કરતાં વધારે સંપત્તિ ધરાવતા 67 જેટલા ધનપતિઓ છે. ગુજરાત રાજ્યની માથાદીઠ આવક રૂ. 3.68 લાખ છે. જે દેશની માથાદીઠ આવક રૂ. 2 લાખ કરતાં વધારે છે. આમ છતાં, ગુજરાતમાં કરવેરો ભરવા માટે દર્શાવવામાં આવતી આવક પ્રમાણમાં ઓછી હોય એવું લાગી રહ્યું છે.
કાર અને આવકવેરાનો વિરોધાભાસ
દેશમાં અત્યારે કુલ 5.69 કરોડ મોટરકાર આરટીઓ કચેરીમાં નોંધાયેલી છે. વર્ષે 23 લાખ સરેરાશ કારના વેચાણ સામે કુલ 9.11 કરોડ લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે. તેમાંથી 7 કરોડ એવા છે જેમની આવક રૂ.5 લાખ કરતાં ઓછી છે! બીજું, કેન્દ્ર સરકારને પણ કારના વેચાણ અને આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતાં લોકોની સંખ્યા વચ્ચે જોવા મળી રહેલા ભેદનો ખ્યાલ છે.
આ પણ વાંચો: સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના
નાણામંત્રી તરીકે 2017-18ના બજેટ ભાષણમાં અરુણ જેટલીએ દેશમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં લોકોની સંખ્યા અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 1.25 કારનું વેચાણ થયું છે તેની સામે માત્ર 3.7 કરોડ લોકો ટેક્સ ભરે છે. 'વિરોધાભાસી આંકડાઓ દર્શાવે છે કે ભારતીયો નિયમોનું પાલન કરતાં નથી અને આવક ઓછી દર્શાવી કરચોરી કરે છે,’ એમ વિદેશ યાત્રા કરતાં લોકોની સંખ્યાનો ઉલ્લેખ કરી જેટલીએ જણાવ્યું હતું. રૂ.10 લાખથી વધુની કિંમતની કાર ઉપર એક ટકો ટેક્સ કલેકટેડ એટ સોર્સ જાહેર કર્યા પછી પણ આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી!