Get The App

સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના 1 - image

Image: AI



Gujarat Education News: સમગ્ર શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર દ્વારા રાજ્યના તમામ કલેકટર, ડીડીઓ, શિક્ષણ કચેરીઓના કમિશનરો તેમજ મામલતદારોને પરિપત્ર કરીને ખાસ આદેશ કરવામા આવ્યો છે કે, શાળાના સીઆરસી, બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરોને શિક્ષણ સિવાયની એટલે કે બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં ન આવે. જેને લઈને બીજી બાજુ સરકારી-કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોમાં રોષ ફેલાયો છે કે, માંડ 51 ટકા કોઓર્ડિનેટરો સ્કૂલોમા વિઝિટ માટે જાય છે છતાં પણ અન્ય તમામ કામથી મુક્તિ અપાઈ છે, પરંતુ શિક્ષકો પાસે શિક્ષણ ઉપરાંતની અન્ય તમામ મોટા ભાગની કામગીરી કરાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે

શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા સૂચના

સરકારના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટરે તમામ શિક્ષણના વિભાગો, કમિશનરો અને કચેરીઓથી માંડી કલેકટરોને સૂચના આપતા જણાવ્યું છે કે, તાલુકા કક્ષાએ બીઆરસી-યુઆરસી અને ક્લસ્ટર કક્ષાએ સીઆરસી કોઓર્ડિનેટરોની નિમણૂક પ્રતિનિયુક્તિથી કરાર આધારિત કરવામાં આવે છે. જેમણે સમગ્ર શિક્ષા અને તેના કાર્યક્રમોનું સુચારૂ અમલીકરણ સમયમર્યાદામાં કરવાનું હોય છે. આ ઉપરાંત સમગ્ર શિક્ષા અંતર્ગત સ્કૂલ ઑફ એક્સેલન્સ, પીએમ કાર્યક્રમ, વોકેશનલ એજ્યુકેશન, વિશિષ્ટ જરૂરિયાતના બાળકોનું શિક્ષણ, સ્કૂલો બહારના બાળકોનું શિક્ષણ,તથા કન્યાઓ માટેનું શિક્ષણ વગેરે સહિતના આયોજન-સંચાલન-અમલવારી માટે કોઓર્ડિનેટરો કામોમાં રોકાયેલા હોય છે. પરંતુ સમગ્ર શિક્ષાની કચેરીના ધ્યાને આવ્યા મુજબ આ કોઓર્ડિનેટરોને જિલ્લા-તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓ દ્વારા શિક્ષણ સિવાયની અન્ય કામગીરી અવારનવાર સોંપાય છે. જેથી સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ હેઠળની કામગીરી માટે સમય આપી શકતા નથી. અગાઉ પણ પરિપત્રો કરીને જીલ્લાઓને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા સૂચના અપાઈ હતી. છતાં શિક્ષણના વિવિધ વિભાગો-કચેરીઓ દ્વારા કોઓર્ટિનેટરોને શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરી સોંપવાના સીધેસીધા આદેશો થાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ

હવે આ કોઓર્ડિનેટરનો ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી (ચૂંટણીના દિવસો દરમિયાન) તેમજ કુદરતી આપત્તિઓ તથા વસ્તી ગણતરી સિવાયની અન્ય કોઈ પણ કામગીરી ન સોંપવા જણાવવામાં આવ્યું છે. હવેથી બીએલઓ સુપરવાઈઝર અને મતદાર યાદી સુધારણાથી માંડી વસતી ગણતરી અને રાહત કામગીરી સિવાયની અન્ય કોઈ કામગીરીમાં શિક્ષણના કલાકો-દિવસો કે ચાલુ ફરજ દરમિયાન જોડી શકાશે નહીં. 

સ્કૂલોના શિક્ષકોએ ફરિયાદ ઉઠાવી

મહત્ત્વનું છે કે બીજી બાજુ સરકારી સ્કૂલોના શિક્ષકોએ ફરિયાદ ઉઠાવી છે કે, સરકારના જ સરવે-રિપોર્ટ મુજબ કાર્યરત 2732 સીઆરસીમાંથી 1357 એટલે કે 51.43 ટકા સીઆરસીએ સ્કૂલોમાં વિઝિટ કરી હતી. આ ઉપરાંત કુલ 3245 જગ્યામાંથી 513 તો ખાલી પડી છે. સરકાર આ જગ્યાઓ ભરતી નથી અને સીઆરસી-બીઆરસીને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ અપાય છે પરંતુ શિક્ષકોને મુક્તિ અપાતી નથી. શિક્ષકો પણ અન્ય કામગીરીને લીધે સ્કૂલોમાં બાળકોના અભ્યાસ-શિક્ષણમાં ઘ્યાન આપી શકતા નથી.

Tags :