Get The App

સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય 1 - image

Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં આયોજિત રમતોત્સવના વિજેતા વિદ્યાર્થીઓને સ્પર્ધા પૂર્ણ થયાના 14 દિવસ બાદ ઇનામ વિતરણ કરવામાં આવનાર હોવાથી સમગ્ર મામલો શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવતી કાલે શુક્રવાર, 6 માર્ચના રોજ પાલિકાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે, જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવશે. જોકે, આ કાર્યક્રમમાં શાળાના 50 ટકા શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા માટે સૂચના આપવામાં આવતા શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફરી એક વખત શિક્ષકોની અછત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલેથી જ શિક્ષકોની ઘટ હોવાના કારણે શિક્ષકો પર બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે. જેના કારણે શિક્ષણકાર્ય પર માઠી અસર પડી હોવાના આક્ષેપો સમયાંતરે ઉઠતા રહ્યા છે. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આ પરીક્ષાઓ માટે સમિતિના 600થી વધુ શિક્ષકોને વિવિધ ફરજો સોંપવામાં આવી છે. પરીક્ષા કામગીરી વચ્ચે અન્ય બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓનું વધતું ભારણ શિક્ષકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.

સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય 2 - image

 આ પરિસ્થિતિ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં શહેરની પ્રાથમિક શાળાના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ રમતોના સ્પર્ધા યોજાઈ હતી અને તેમાં વિજેતા વિદ્યાર્થીઓને જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ઈનામ વિતરણ કરવામાં આવ્યું ન હતું.

 હવે રમતોત્સવ પૂર્ણ થયા બાદ લગભગ 14 દિવસ પછી આવતીકાલે 6 માર્ચે ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ દ્વારા શાળાના 50 ટકા શિક્ષકોને ફરજિયાત હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી છે. જેના કારણે અનેક શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઓછી રહેશે અને વર્ગખંડોમાં શિક્ષણકાર્ય પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 આમ, રમતોત્સવ પૂર્ણ થયા બાદ લાંબા સમય પછી ઈનામ વિતરણ કરવાનું આયોજન અને તેમાં શિક્ષકોને ફરજિયાત હાજરી આપવાનો નિર્ણય શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શિક્ષકોનું કહેવું છે કે પહેલેથી જ પરીક્ષા અને અન્ય બિન-શૈક્ષણિક કામગીરીના ભાર વચ્ચે આવા કાર્યક્રમોમાં ફરજિયાત હાજરીના આદેશથી શિક્ષણકાર્ય પર અસર થવી સ્વાભાવિક છે.