For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'શહેજાદાએ 4000 કિ.મી. પગપાળા યાત્રા કરી...' બનાસકાંઠાથી પ્રિયંકા ગાંધીનો PM મોદીને જવાબ

Updated: May 4th, 2024

'શહેજાદાએ 4000 કિ.મી. પગપાળા યાત્રા કરી...' બનાસકાંઠાથી પ્રિયંકા ગાંધીનો PM મોદીને જવાબ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં બે તબક્કાના મતદાન બાદ હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મેના રોજ યોજાવાનું છે ત્યારે આ તાબક્કામાં ગુજરાતની બેઠકો પર મતદાન થશે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતભરમાં પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં આવ્યા છે અને તેમણે આ વખતે બનાસકાંઠામાં ન્યાય સંકલ્પ સભાને સંબોધી હતી. 

કોંગ્રેસ મહાસચિવે બંધારણને લઈને કહી આ વાત

બનાસકાંઠાથી જંગી જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે 'તમને બંધારણમાંથી અધિકારો મળે છે. સૌથી મોટો અધિકાર મત આપવાનો છે. અનામતની સાથે સાથે બંધારણે નાગરિકોને પ્રશ્ન કરવાનો અને આંદોલન કરવાનો પણ અધિકાર આપ્યો છે તેથી જ્યારે ભાજપના લોકો કહે છે કે બંધારણ બદલાશે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ લોકો પાસેથી તેમના અધિકારો છીનવી લેવા માગે છે.' આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ વેક્સિનની આડઅસર પર વાત કરતા કહ્યું કે 'વેક્સિનની આડઅસરથી અનેક લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર શહેનશાહનો ફોટો હતો. આ વેક્સિન બનાવતી કંપની પાસેથી ભાજપે ફંડ લીધુ છે.'

સરદાર પટેલ અને ગાંધીજીનો ઉલ્લેખ કર્યો 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. સરદાર પટેલ, વીર રણછોડ રબારી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે.

પીએમ મોદીને ચૂંટણીમાં હાર દેખાતાં ખેડૂતો માટે કાયદા પાછા ખેંચ્યા

આજના વડાપ્રધાનની કાર્યશૈલી જુઓ. ગુજરાતે પીએમ મોદીને સન્માન અને સ્વાભિમાન આપ્યું છે અને સત્તા આપી છે, પરંતુ તેઓ માત્ર મોટા-મોટા લોકો સાથે જ જોવા મળે છે. શું તમે પીએમ મોદીને કોઈ ખેડૂતને મળતા જોયા છે? ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સેંકડો ખેડૂતો શહીદ થાય છે, પરંતુ વડાપ્રધાન તેમને મળવા પણ જતા નથી. પછી જેવી ચૂંટણી આવે છે અને તેમને લાગ્યું કે અમને વોટ નહીં મળે તો પીએમ મોદીએ કાયદો બદલી નાખ્યો.

શહેજાદા શબ્દ પર પ્રિયંકા ગાંધીનો જવાબ

પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. હું કહેવા માંગુ છું કે મારા ભાઈ 4,000 કિ.મી. પગપાળા ચાલીને દેશના લોકોને મળ્યા અને તેમને પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્યાઓ છે? એક તરફ શહેનશાહ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારી કેવી રીતે સમજી શકશે? નરેન્દ્ર મોદી સત્તાથી ઘેરાયેલા છે. આસપાસના લોકો તેમનાથી ડરે છે. તેમને કોઈ કશું કહેતું નથી. જો કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો પણ તે અવાજ દબાવી દેવામાં આવે છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર તાક્યું નિશાન 

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે આપણા વડીલોને જોઇને આપણે સભ્યતા છીએ પરંતુ પીએમ મોદીને જોતાં શું શીખવું. એ તો તદ્દન જુઠ્ઠું જ બોલતા રહે છે. દેશના વડાપ્રધાનને આવી વાતો નથી શોભતી. કોંગ્રેસ પર ભેંસ છીનવી લેવાનો આરોપ મૂકો છો. આ જુઠ્ઠાણું છે. તમે બતાવો કે છેલ્લાં 55 વર્ષોમાં અમે કોની ભેંસ છીનવી લીધી. પીએમ મોદી 10 વર્ષ શાસનમાં રહ્યા પણ અમારું જીવનધોરણ ન સુધર્યું.

રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું, PM મોદીએ એ ઉમેદવારને કેમ ન હટાવ્યા?: પ્રિયંકા ગાંધી 

રૂપાલા ટિપ્પણી વિવાદ અને ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, કે 'અહીં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત? એ ઉમેદવારને કેમ ન હટાવ્યા? હું બહેનોને વાયદો કરું છું કે અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન થવા દઇશું નહીં.'

યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે : પ્રિયંકા ગાંધી 

પ્રિયંકા ગાંધીએ પેપર લીક મુદ્દે વાત કરતા કહ્યું કે 'સમગ્ર દેશમાં પેપર લીક થાય છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરી ખાલી છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવે છે. ભરતીની પરીક્ષા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટી ખુલી રહી છે જેનાથી મોંધી ફી ભરવી પડી છે.' આ ઉપરાંત ખેડૂતો માટે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'એમએસપીને લઈને કાયદો બનશે, ખેતીના તમામ સમાનોમાંથી જીએસટી હટાવીશું, પાક નુકસાનથી 30 દિવસથી વળતર મળશે.'

ભાજપ પર કર્યા સીધા પ્રહાર 

પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતાં કહ્યું કે ભાજપે તેના 10 વર્ષના શાસનમાં લોકોના અધિકારો ઘટાડી દીધા છે. લોકો હવે ભાજપ સરકારથી કંટાળી ગયા છે. મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખેડૂતો પણ તકલીફ વેઠી રહ્યા છે.   જે લોકો અવાજ ઊઠાવે છે તેમના અવાજ દબાવી દેવામાં આવે છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં આ લોકોની જ સરકાર હતી. ભાજપની સરકારે ક્યારેય પીડિતોની મદદ ના કરી. ખેડૂતો-મજૂરો સાથે અન્યાય થયો. દેશ માટે મેડલ જીતનારા ખેલાડીઓએ પણ માર્ગો પર ઉતરીને જાતીય શોષણના વિરોધમાં દેખાવો કરવા પડ્યાં.   

આ પણ વાંચો : બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવાર વચ્ચે ટક્કર

Article Content Image

Gujarat