Gujarat

ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમો બદલાયા: વિલંબ દંડ અંગે તમામ RTOને આદેશ, જાણો નવા નિયમ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યના તમામ RTO/ARTO અધિકારીઓને GSR 349(E)ના અમલીકરણ અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. આ મુજબ, ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ માટે નિર્ધારિત ફી લેવાશે. જોકે, પ્રથમ ફિટનેસ પરીક્ષણમાં વિલંબ માટે રૂ. 50 દૈનિક લેટ ફી લાગુ પડશે નહીં, પરંતુ ભવિષ્યના રિન્યૂઅલમાં વિલંબ થશે તો દંડ વસૂલાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમો બદલાયા: વિલંબ દંડ અંગે તમામ RTOને આદેશ, જાણો નવા નિયમ

New RTO Rules Gujarat : વાહન વ્યવહાર કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ સહાયક અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ (RTO/ARTO)ને GSR 349(E)ના અમલીકરણ અંગે મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા 8 મે, 2026ના રોજ જાહેર કરાયેલા GSR 349(E) નોટિફિકેશનના અમલ માટે એનઆઈસી (NIC) દ્વારા જરૂરી ટેકનિકલ સુધારા પૂર્ણ ન થાય ત્યાં સુધી, નોટિફિકેશનમાં દર્શાવેલી જોગવાઈ મુજબ કામગીરી સુનિશ્ચિત કરવાની સૂચના અગાઉ આપવામાં આવી હતી.

મહેસાણા RTOએ માંગ્યુ હતું માર્ગદર્શન

આ દરમિયાન મહેસાણા આરટીઓ દ્વારા કેટલાક મુદ્દાઓ પર માર્ગદર્શન માંગવામાં આવતા વાહન વ્યવહાર કમિશનર કચેરીએ વધુ સ્પષ્ટતા કરી છે. પરિપત્ર મુજબ નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનોના રિન્યૂઅલ ઓફ રજિસ્ટ્રેશન માટેની અરજીઓમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ નિર્ધારિત ફી વસૂલવાની રહેશે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, GSR 349(E) હેઠળ પ્રથમ વખત નોન-ટ્રાન્સપોર્ટ વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્રની જોગવાઈ કરવામાં આવી છે. તેથી હાલમાં જ્યારે આવા વાહનોનું પ્રથમ વખત ફિટનેસ પરીક્ષણ કરાવવામાં આવશે, ત્યારે તેમાં વિલંબ થવા છતાં રૂ. 50 પ્રતિ દિવસની વધારાની લેટ ફી વસૂલવામાં આવશે નહીં.

જોકે, એક વખત પ્રથમ ફિટનેસ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં રીન્યૂઅલ ઓફ ફિટનેસ કરાવવાનું થશે, અને તેમાં વિલંબ થશે તો, રૂ. 50 પ્રતિ દિવસનો વધારાનો લેટ ફી દંડ લાગુ પડશે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓને આ માર્ગદર્શિકા મુજબ કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.