'તું બાયલા હૈ...' કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prisoner Clash in Sabarmati Central Jail: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉશ્કેરણી બાદ બે કેદી વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. અહીં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. સાથી કેદીએ કરેલી ઉશ્કેરણીજનકને લીધે મામલો એટલો બિચક્યો કે મારામારીમાં એક કેદીને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે પોલીસ ચોપડે ગુનો નોંધવામાં આવ્યો છે.
સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર
આ ઘટના અંગે છેલ્લા પાંચેક માસથી સાબરમતી જૂની સેન્ટ્રલ જેલના બડા ચક્કરમાં કેદી તરીકે સજા કાપી રહેલા સંજય રમેશભાઈ રાઠોડે (ઉં.વ. 35) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, સંજય એક દિવસ પહેલા પોતાની મૂછો અને દાઢી કઢાવી નાખી હતી, જેને લીધે બેરેકમાં રહેતા અન્ય એક કેદી સમીરે તેની મજાક કરી ઉશ્કેર્યો હતો. જેનો વિરોધ કરવા જતાં ઉશ્કેરાયેલા સમીરે સંજય પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. જેમાં સંજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી મુજબ, ગત 06 મેના રોજ બપોરે 4થી 4:15 વાગ્યાની આસપાસ ફરિયાદી સંજય રાઠોડ જૂની સાબરમતી સેન્ટ્રલ જેલના બડા ચક્કરના બેરેક નં 3/2માંથી બહાર નીકળી રહ્યો હતો. આ સમયે ત્યાં હાજર પાકા કામના કેદી સમીરે તેને જોઈને 'તું બાયલા હૈ ઔર બાયલા હી લગતા હૈ' કહીને બૂમ પાડી હતી. સંજયે પૂછ્યું કે, 'તું કોને બાયલો કહે છે?' જેથી સમીર ઉશ્કેરાઈ ગયો હતો. સમીરે ગાળો બોલવાનું શરૂ કર્યું અને જ્યારે સંજયે ગાળો બોલવાની ના પાડી, ત્યારે સમીરે 'તું ક્યા કર લેગા' કહીને તેને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં સમીરે સંજયના વાળ પકડીને તેને નીચે પાડી દીધો હતો અને માર માર્યો હતો.
આ મારથી બચવા સંજય જ્યારે ઊભો થઈને પેટી બાજુ જતો હતો, ત્યારે સમીરે તેના જમણા હાથના ભાગે જોરથી લાત મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સંજયે બૂમાબૂમ કરતા જેલના સુરક્ષાકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત સંજયને પહેલા જેલના દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક્સ-રેમાં તેના જમણા હાથે ફ્રેક્ચર હોવાનું અને ઓપરેશન કરીને પ્લેટ નાખવી પડશે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનાર સંજય રાઠોડે હોસ્પિટલમાંથી જ આરોપી કેદી સમીર સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.









