Gujarat

વિવિધ બગીચાઓમાં બાંધકામના બહાને રૂ. ત્રણ કરોડના ખર્ચની અધુરી દરખાસ્તથી વિવાદ

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
વિવિધ બગીચાઓમાં બાંધકામના બહાને રૂ. ત્રણ કરોડના ખર્ચની અધુરી દરખાસ્તથી વિવાદ

વડોદરા, 16 માર્ચ 2022

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાયી સમિતિમાં ત્રણ-ત્રણ વાર મુલત્વી રહેલી બગીચામાં રૂ. ત્રણ કરોડના ખર્ચે બાંધકામો કરવાની દરખાસ્ત ફરી એકવાર સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

વડોદરા મહાનગરપાલિકાની પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાએ શહેરમાં આવેલા વિવિધ બગીચાઓમાં નાના-મોટા સિવિલ બાંધકામો નો રૂ. ત્રણ કરોડના ખર્ચનો અંદાજ લગાવ્યો હતો. જો કે આ અંદાજ માં ક્યાં કેટલું બાંધકામ કરવાનું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. એક વર્ષમાં ત્રણ કરોડ નું બાંધકામ થઈ શકે છે એવી ધારણા સાથે રજૂ થયેલી દરખાસ્ત સ્થાયી સમિતિ ત્રણ વાર મુલત્વી કરી ચુકી છે. જો કે આ દરખાસ્ત મંજુર કરાવવા પાર્કસ એન્ડ ગાર્ડન શાખા જીદે ચઢી હોય તેમ ફરી એકવાર આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાયી સમિતિ આ અંગે કેવો નિર્ણય લેશે

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિમાં જે કોઈ બાંધકામ અંગેના કામો રજૂ થતા હોય છે તેમાં કયા પ્રકારનું બાંધકામ કરવાનું હોય છે તેની જાણકારી આપવામાં આવતી હોય છે પરંતુ ગાર્ડન શાખા ની દરખાસ્ત મા કોઈ પણ જાતની માહિતી રજુ કરવામાં નહીં આવતા વિવાદ સર્જાયો છે.