Get The App

પ્રિ-મોન્સૂન કાર્યવાહીમાં ફરી નિષ્ફળતા: શહેરમાં 62000 કેચપીટની સફાઈ પછી પણ વરસાદી પાણી ભરાયા

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
પ્રિ-મોન્સૂન કાર્યવાહીમાં ફરી નિષ્ફળતા: શહેરમાં 62000 કેચપીટની સફાઈ પછી પણ વરસાદી પાણી ભરાયા 1 - image


AMC Fails in Pre-Monsoon Operations: અમદાવાદના 48 વોર્ડમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 67 હજાર પૈકી 62 હજાર કેચપીટ પહેલા તબક્કામાં સાફ કરાઈ હોવાનો દાવો કર્યો છે. તંત્રના દાવા છતાં શહેરમાં પડેલા વરસાદના કારણે પૂર્વ અમદાવાદના અનેક વોર્ડ વિસ્તાર ઉપરાંત બોડકદેવ વોર્ડમાં આવેલા IIM વિસ્તારમાં કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ મ્યુનિસિપલ તંત્ર કરી શક્યું નહતું. મ્યુનિ. હદમાં સમાવાયેલા શેલા વિસ્તારમાં પણ કલાકો સુધી વરસાદી પાણી ઓસરી શક્યા નહતા.

કેચપીટ સફાઈનો 92 લાખનો ખર્ચ વેડફાયો

શહેરમાં દર વર્ષે પ્રિ-મોન્સૂન ઍકશન પ્લાન હેઠળ કેચપીટ સફાઈથી લઈ ગટરોમાંથી શિલ્ટ કાઢવા સુધીની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં સામાન્ય એક ઇંચ જેવા વરસાદમાં પણ શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત 48 વોર્ડમાં 67,851 પૈકી 62,910 કેચપીટ પહેલા તબક્કામાં સાફ કરાયા હોવાની વિગત પાણી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ રાજકોટમાં નર્સની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસે પાડોશમાં રહેતા શખસની ધરપકડ કરી

એક કેચપીટ એક વખત સાફ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોન્ટ્રાકટર કે એજન્સીને 147 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે. તંત્ર તરફથી એવો દાવો કરાયો છે કે, શહેરમાં ગત વર્ષ સુધીમાં કુલ 63523 કેચપીટ હતી. એક વર્ષમાં નવી 4૩28 કેચપીટ બનાવવામાં આવી છે. સરકારી ગાઇડલાઇન મુજબ, દર વર્ષે 15 જૂનથી ચોમાસાની શરુઆત થતી હોય છે. આ પરિસ્થિતિમાં હજુ બે તબકકામાં 7 ઝોનના 48 વોર્ડમાં આવેલી 67851 કેચપીટ બે વખત સાફ કરાવવાની છે. જે દેખીતી રીતે શકય બને એમ જ નથી.

શહેરમાં નિકોલ, બકેરી સિટી સહિતના 36 સ્થળોએ આ વર્ષે વરસાદી પાણી ભરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન ઍકશન પ્લાન હેઠળ કેચપીટ સાફ કરાઈ હોવાના દાવા છતાં પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ વોર્ડમાં આવેલા મધુમાલતી આવાસ ઉપરાંત વેજલપુરમાં આવેલા બકેરી સિટી સહિત અલગ અલગ કુલ 36 સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાશે. નિકોલ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી માટે મંજૂરી અપાઈ છે. બકેરી સિટી વિસ્તારમાં પણ વરસાદી પાણી નિકાલ માટે ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂરી થઈ શકે એમ નથી.

આ પણ વાંચોઃ ધ્રોલ નજીક કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચેના અકસ્માત, રિક્ષામાં બેઠેલા મુસાફર સહિત પાંચને ઇજા

ઝોન મુજબ કેટલી કેચપીટ સાફ કરાઈ?

ઝોનકેચપીટની સંખ્યા
ઉત્તર8882
દક્ષિણ7181
પૂર્વ6988
મઘ્ય6661
પશ્ચિમ15134
ઉત્તર-પશ્ચિમ12438
દક્ષિણ-પશ્ચિમ5626
કુલ62910
Tags :