Get The App

આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી

વાહન, લાયસન્સ સંબંધિત કામગીરી તથા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકો પરેશાન થયા

વીજ શટડાઉનથી અઢી કલાકથી વધુ સમય કામગીરી ઠપ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી 1 - image

રવિવારની રજા બાદ આજે સોમવારે દરજીપુરા સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.

વાહન નોંધણી, લાયસન્સ, ટ્રાન્સફર સહિતની વિવિધ કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ કચેરીએ પહોંચ્યા હતા, જોકે પ્રિ-મોન્સૂન કામગીરીના પગલે વીજ પુરવઠાના શટડાઉનને કારણે કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કચેરી શરૂ થતાની સાથે સવારથી જ વીજ પુરવઠો ખોરવાતા આરટીઓ કચેરીની કામગીરી શરૂ થઈ શકી નહોતી. પરિણામે વિવિધ કામ માટે પહોંચેલા લોકો કચેરી પરિસરમાં કલાકો સુધી રાહ જોતા રહ્યા હતા. ખાસ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા ગયેલા ઉમેદવારોની મુશ્કેલી વધી હતી.

કેટલાક અરજદારો દૂર-દૂરના વિસ્તારો અને તાલુકાઓમાંથી ખાસ રજા લઈને આવ્યા હોવા છતાં કામ ન થતાં નિરાશ થયા હતા. ઘણા લોકોને કલાકો સુધી કચેરીના પરિસરમાં બેસી રહેવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાકને કામ પૂર્ણ થયા વિના જ પરત ફરવું પડયું છે. બપોરે ૧ :૩૦ વાગ્યે વીજ પુરવઠો પુનઃ શરૂ થતાં આરટીઓની કામગીરી શરૂ કરાઈ હતી.