કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને પોલીસ પહોંચી ચંડોળા, રિકન્સ્ટ્રક્શન કરીને નોંધ્યા નિવેદન
Ahmedabad News : અમદાવાદ શહેરના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ કનેકશનની સાથે અનેક ગુનાહિત પ્રવૃતિ આચરનાર લલ્લા બિહારી ઉર્ફ મહમૂદ પઠાણની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ વચ્ચે આજે અમદાવાદ પોલીસની ટીમ લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું.
ચંડોળા ખાતે આરોપી પિતા-પુત્રનું રિકન્સ્ટ્રક્શન કરીને નોંધ્યા નિવેદન
અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલા 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે આજે રવિવારે (4 મે, 2025) અમદાવાદ પોલીસની ટીમ આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રને પકડીને ચંડોળા વિસ્તાર ખાતે લલ્લાએ કઈ રીતે કઈ જગ્યાએ દબાણો કર્યા હતા તે તમામ જગ્યા પર પોલીસ તેને લઈને ગઈ હતી અને નિવેદન નોંધ્યા હતા.
ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ કનેકશનની સાથે અનેક ગુનાહિત પ્રવૃતિ આચરનાર લલ્લા બિહારીની ધરપકડ બાદ પોલીસે શરૂ કરેલી પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયા હતા. જેમાં લલ્લા બિહારી બાંગ્લાદેશીઓની ઘુષણખોરીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જે માટે તે બાંગ્લાદેશી તેમજ અન્ય એજન્ટોના સંપર્કમાં હતો. સાથે સાથે તેણે ગેરકાયદે આવકથી સોનામાં રોકાણની સાથે કન્ટ્રક્શનના વ્યવસાયમાં તેમજ ઉત્તરપ્રદેશમાં જમીનમાં મોટાપાયે નાણાં રોક્યા હતા. પોલીસને તેની પાસેથી મળી આવેલી હિસાબની ડાયરીમાં અનેક વિગતો મળી છે. જેના આધારે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
5 કિ.મી. પ્રોટેક્શન વૉલ બનાવાશે
અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કામગીરી કરીને તંત્રએ 4000 જેટલા ઝુંપડા, નાના-મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે આ જગ્યા પર ફરીથી દબાણો ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે ચંડોળા તળાવની ફરતે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરની બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાવની બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી નથી. તેવામાં કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.