કુખ્યાત લલ્લા બિહારી આખરે ઝડપાયો, ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને ગેરકાયદે આશરો આપતો
Lalla Bihari Arrested: અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. મૂળ અમદાવાદનો રહેવાસી આ લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો. આ માહિતી મળતાંની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ નહતો લાગ્યો. જોકે, આ વિશે તપાસ કરતાં બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો.
આ પણ વાંચોઃ મિની બાંગ્લાદેશનો સફાયો કરવા શરૂ થયેલું 'ઓપરેશન ચંડોળા' અચાનક આટોપી લેવાયું
રાજકીય નેતાઓની સંડોવણી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ, સ્થાનિક કેટલાંક રાજકીય નેતાઓ પણ ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. જે આ ગેરકાયદે આવનારા લોકોના દસ્તાવેજ બનાવી આપવાનું કામ કરતા હતા. લલ્લા બિહારીની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે.
કોણ છે લલ્લા બિહારી?
લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદેની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો લલ્લા બિહારી ચંડોળા તળાવ વિસ્તારમાં સરતાજ બનીને બેઠો હતો, તે ફાર્મ હાઉસમાં બેઠા-બેઠા જ મોટા-મોટા વહીવટો પાર પાડતો હોવાના દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો હતો. લલ્લા બિહારી પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો અને વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લઈ જગ્યા ભાડે આપતો હતો. એટલું જ નહીં પરંતુ, ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના પણ આરોપ છે.
આ પણ વાંચોઃ લલ્લા બિહારી કેવી રીતે કમાણી કરતો, તેના પર કોના ચાર હાથ? ખાખી વર્દી સામે જ આંગળી ચીંધાઈ
ઘોડા, રીક્ષા ભાડે આપતો હતો
પોલીસ કમિશ્નર જી એસ મલિકે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. જેમાં લલ્લા બિહારીના ત્યાંથી અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. લલ્લા બિહારી ખોટા દસ્તાવેજ ભાડા કરાર સહિતની પ્રવૃત્તિઓ કરતો હતો. તે ઘોડા, રીક્ષા વગેરે ભાડે આપતો હતો. લલ્લા બિહારીએ 300 રીક્ષા રાખી હોવાનું પણ સામે આવ્યું છે.
સુવિધાઓથી સજ્જ હવેલીને પણ ટક્કર મારે એવું આલિશાન ફાર્મ હાઉસ
લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પચાવી પાડીને ગેરકાયદે રીતે આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. આ ફાર્મ હાઉસ વિવિધ સુવિધાઓથી સજ્જ હતું. ફાર્મ હાઉસમાં હવેલીને પણ ટક્કર મારે એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં કિચન, હીંચકા, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને એસીથી સજ્જ રૂમો બનાવવામાં આવ્યા છે. ફાર્મ હાઉસમાં ઠંડક માટે ચારેય તરફ ગ્રીન નેટ અને લીલા ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. ફાર્મહાઉસના પાછળના ભાગે સીઝ કરેલી રિક્ષા પાર્ક કરવામાં આવી હતી. ફાર્મ હાઉસ તળાવમાં ઝૂંપડાઓની વચ્ચે અસામાજિક તત્ત્વોનો ઐયાશીનો અડ્ડો હતો.