For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં, અમદાવાદની આ સ્કૂલમાં કરશે મતદાન

Updated: May 6th, 2024

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં, અમદાવાદની આ સ્કૂલમાં કરશે મતદાન
Image Twitter 


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે આવતી કાલે સાતમી મે, મંગળવારના રોજ મતદાન થવાનું છે. ત્યારે આજે મતદાન અંગેની તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા આવી રહ્યા છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. જેથી સુરક્ષા ભાગરુપે ત્યાં આજે SPG અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

વડાપ્રધાન મોદી 7મીએ સવારે 7.30 આસપાસ મતદાન કરશે

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી સાતમી તારીખે સવારે 7.30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.

ગૃહમંત્રી અમિત શાહ સવારે 10 વાગે નારણપુરામાં મતદાન કરશે

માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નીકળી જશે. વડાપ્રધાન મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે.

25 લોકસભા અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન 

ગુજરાતની 25 લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી 12 બેઠકો મેળવી હતી. જોકે, નરેન્દ્ર મોદીના નામ પર ચલાવાયેલા આક્રમક અભિયાનમાં 2014માં ગુજરાતમાંથી કોંગ્રેસે એકપણ બેઠક જીતી ન હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. તો એની સામે 2019ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ફટકો આપ્યો હતો. ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર આવી ગઇ હતી. ત્યારે જોવાનું એ છે કે આ વખતે ગુજરાતની જનતાનો મૂડ શું બતાવે છે.

Gujarat