Get The App

ગમે તેટલા વૃક્ષો ઉછેરો પણ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ નહીં આવે: પ્રો. ચેતનસિંહ સોલંકી

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ગમે તેટલા વૃક્ષો ઉછેરો પણ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ નહીં આવે: પ્રો. ચેતનસિંહ સોલંકી 1 - image


Climate Change: કેન્સરના દર્દીની સારવાર પેરાસિટામોલથી ના થઈ શકે તે જ રીતે વૃક્ષો ઉગાડવાથી કે પ્લાસ્ટિક રિસાયકલ કરવા જેવા ઉપાયોથી ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. આ વાત મુંબઈ IIT પ્રોફેસર અને ક્લાઇમેટ ચેન્જ અંગે દેશભરમાં 10 વર્ષથી જાગૃતિ અભિયાન ચલાવનાર પ્રો. ચેતનસિંહ સોલંકીએ કહ્યું હતું.

પ્રો.સોલંકીએ એમ.એસ. યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં 'સિમિત ધરતી અને સિમિત જરૂરિયાતો' વિષય પર લેકચર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્સરની સારવાર કિમોથેરાપીથી જ થઈ શકે અને ક્લાઇમેટ ચેન્જનો મુકાબલો કરવાનો ઉપાય એક જ છે કે, લોકો પોતાની જરૂરિયાતો ઘટાડે. પૃથ્વીનું કદ તો વધવાનું નથી પણ છેલ્લા 30-40 વર્ષથી માનવજાતે કરેલી પ્રગતિના કારણે લોકોની જરૂરિયાતો વધતી ગઈ છે. તેને પૂરી કરવા માટે પૃથ્વીના કુદરતી સંસાધનોનો જ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જેનું અંતિમ પરિણામ ક્લાઈમેટ ચેન્જ સ્વરૂપે જોવા મળી રહ્યું રહ્યું છે. 

આ પણ વાંચોઃ VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી 'રુદ્રાસ્ત' દોડાવાઈ

ઉદાહરણ તરીકે લોકો પાસે 30 થી 40 જોડ કપડા હોય છે. કપડાની એક જોડ માટે 10,000 લીટર પાણી વપરાય છે. સેંકડો ટન કાર્બનનું ઉત્સર્જન થાય છે. 100 વર્ષની પ્રક્રિયા બાદ ધરતીમાં કોલસો બને છે. વધારાના લાઇટ-પંખા ચાલુ રાખીને આ કોલસાને આપણે એક જ દિવસમાં વેડફી નાંખીએ છે. ચેતન સોલંકીએ કહ્યું હતું કે, દુનિયાના દરેક વ્યક્તિએ જરુરિયાતોને મર્યાદિત કરવી પડશે. નહીંતર અત્યારે સ્કૂલો અને કોલેજોમાં ભણતા બાળકો અને વિદ્યાર્થીઓની પેઢીએ તેના માઠા પરિણામ ભોગવવા પડશે. આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 થી 6 ડિગ્રી સુધી વધી જવાની પૂરી સંભાવના છે. જોકે ફિલ્મોમાં બતાવાય છે તેમ માણસોનો એક ઝાટકે સર્વનાશ નહીં થાય, પ્રકૃતિ માણસને તડપાવી- તડપાવીને મારશે. ટેક્સાસનું પૂર કે પછી ત્રણ દિવસ પહેલા ઉત્તર કાશીમાં આવેલા પૂરનો દાખલો આપણી નજર સામે જ છે.

10 વર્ષનું અભિયાન પૂરુ થશે પછી જ ઘરે જઈશ

પ્રો.ચેતન સોલંકી કહે છે કે, હું દસ વર્ષ સુધી જાગૃતિ અભિયાન ચલાવવાનો છું. 2020થી મેં તેની શરૂઆત કરી છે અને મેં આ અભિયાન ચાલશે ત્યાં સુધી ઘરે નહીં જવાની પ્રતિજ્ઞા લીધી છે. પાંચ વર્ષથી હું ઘરે નથી ગયો. આઈઆઈટીમાં પણ હું પગાર વગરની રજા પર છું. હવે લાગે છે કે, નોકરી ગુમાવવી પડશે. હું પરણેલો છું અને બે સંતાનો પણ છે. મારા ઘરમાં ફ્રિઝ, એસી, ગીઝર જેવા ઉપકરણો નથી અને હું કપડાને ઇસ્ત્રી પણ કરતો નથી. બને ત્યાં સુધી સાદાઈથી જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

આ પણ વાંચોઃ ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો

જીડીપી વધે છે પણ દરેકના ચહેરા પર ખુશી અને સંતોષ છે?

તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જીડીપીની પાછળ ભાગી રહ્યા છે. દર વર્ષે 5 થી 6 ટકાના દરે આપણો જીડીપી વધે છે, પરંતુ તેનાથી દરેકના ચહેરા પર સંતોષ કે ખુશી જોવા મળે છે ખરી? કોઈ માને કે ના માને પણ માણસને અંતે તો ત્રણ જ વસ્તુની જરૂરિયાત છે અને તે છે પ્રેમ, આનંદ અને શાંતિની.

સોલર એનર્જી માટે પણ ધરતીના સંસાધનોનો જ ભોગ લેવાય છે

પ્રો.ચેતને સોલરથી ચાલતી બસ સાથે પણ દેશના વિવિધ ભાગોમાં યાત્રા કરી છે અને આ માટે તેમને 'સોલરમેન ઑફ ઈન્ડિયા' નામ મળેલું છે. તેમનું આ બાબતે કહેવું છે કે, સોલારનો પ્રચાર પ્રસાર મેં શરુ કર્યો હતો પણ આ મુદ્દે પણ મારો ભ્રમ ભાંગી ગયો છે. કારણકે સોલર એનર્જી માટેની પેનલો બનાવવા માટે પણ ધરતીના પેટાળમાં રહેલા સંખ્યાબંધ પ્રકારના ખનીજોની જરૂર પડે છે.

Tags :