ગુજરાતના આ વિસ્તારના ઘરોમાં જોવા મળે છે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે કારણ
Gujarat Tribe: વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઇ છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘડિયાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,જે ઘડિયાળ ઉંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે.
ઊંધી ઘડિયાળ
આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરાગત ભૂલ્યા નથી અને પોતાની પરંપરાગત રીતે તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. એવી જ રીતે પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળો જોવા મળે છે. સમય જોવા માટે બનાવવામાં આવેલી તમામ ઘડિયાળો ડાબીથી જમણી તરફ ફરે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે જે જમણીથી ડાબી તરફ ફરે છે અને સમય પ્રમાણે સાચો સમય જ બતાવે છે.
વર્ષો જૂની માન્યતા મુજબ બનાવી જમણીથી ડાબી ફરતી ઘડિયાળ
બ્રહ્માંડ વિજ્ઞાન ધર્મ અને પ્રકૃતિ સાથે તાલ મિલાવટી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આદિવાસી સમુદાયના લોકોમાં પોતાની વર્ષોજૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવવામાં આવી છે. બિરસા મુંડાના ફોટા વાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ જ છે. બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે જેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ઘડિયાળનો સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો જમણી દિશામાં ફરે છે. આજે આ ઘડિયાળ આદિવાસી સમાજના મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે.
શું છે માન્યતા?
આદિવાસી સમાજના લોકોનું માનવું છે કે, આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને વર્ષોથી પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે તેમના મતે બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણાથી ડાબા તરફ ફરે છે, ફૂલ ઝાડની વેલ જમણાથી ડાબા તરફ વધે છે, પૃથ્વી પણ પોતાની ધરી પર જમણા ડાબા પડખે ફરે છે, વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન પણ અણુની ચારો તરફ જમણાથી ડાબા તરફ ખેંચાય છે આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજમાં જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતા હોય છે તેમજ હાથે ફેરવામાં આવતી અનાજ દળવાની ઘંટી પણ જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે. જ્યારે લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઇ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમતા હોય છે. જ્યારે હોળીના તહેવારમાં પણ હોળી જમણી તરફથી ફરતા હોય છે અને હોળીના સમયે મહિલાઓ તેમજ પુરૂષો જેરૈયા રમતા હોય છે તે સમયે પણ જમણી દિશામાં ફરીને પોતાના નૃત્ય કરતા હોય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રિજ ડેમેજ, 7 મહિના સમારકામ માટે બંધ રહેશે
આ સમુદાયનું માનવું છે કે, આ દિશા જ સાચી દિશા છે એટલે સમય જાણવા માટે આદિવાસી સમુદાયે બનાવેલી જમણીથી ડાબી તરફથી ફરતી ઘડિયાળને પણ શુકન માનવામાં આવે છે. તેમજ આદિવાસી સમુદાયની ઓળખ પણ માનવામાં આવે છે. જો કે અન્ય લોકો કરતા આદિવાસી સમુદાયના લોકો સમગ્ર કાર્ય જમણી દિશાથી કરતા હોય છે.