Gujarat

રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર

By GS TEAM
11 Oct 20252 mins read
રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર

MRIના ખોટા રિપોર્ટના આધારે રૂા. 38 લાખની ઉચાપતની રકમ ભરપાઇ કરી દીધા છતાં આરોપીની વર્તણૂંક ધ્યાનમાં લઇ અદાલતે ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર કરી 

રાજકોટ, : એમઆરઆઈના ખોટા રિપોર્ટના આધારે રૂા. 38 લાખનો વીમો મેળવવાના કૌભાંડમાં પકડાયેલા ફિઝિયોથેરાપીસ્ટ ડો. અંકિત કાથરાણીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી એડિશનલ સેશન્સ જજ સી.જે. પટેલે નામંજૂર કરી હતી.

આ કેસની વિગત એવી છે કે આરોપીએ ખોટી રીતે વીમાની રકમ મેળવવા માટે સહયોગ ઇમેજીંગ સેન્ટરનાં પૂર્વ કર્મચારીના સાથથી ખોટો એમઆરઆઈ રિપોર્ટ મેળવી તેના આધારે આઈસીઆઈસીઆઈ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂા. 16 લાખ મેળવી લીધા હતાં. ત્યાર પછી લાલચમાં ફરીથી ડુપ્લીકેટ રિપોર્ટ મેળવી એચડીએફએસી અર્ગો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂા. 22 લાખ મેળવી લીધા હતાં. ઇન્સ્યોરન્સ કંપનીએ આ કૌભાંડ અંગે તેના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

ચાર્જશીટ બાદ આરોપીએ જામીન અરજી રજૂ કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીએ વીમા કંપનીને ઉચાપતની રકમ ચૂકવી દીધી છે. જેથી હવે જામીન મુક્ત કરવા જોઇએ. જેની સામે સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે આરોપીએ ચાર્જશીટ બાદની જામીન અરજી પહેલા વીમા કંપનીને ઉચાપતની રકમ પરત આપી છે. 

આરોપીની આ વર્તણુંક સૂચવે છે કે ઉચાપતની રકમ મેળવી લીધા બાદ તે પરત આપ્યા વિના જ જામીન મુક્ત થવા માંગતા હતા. આરોપી આઈસીઆઈસીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીના કેસમાં જામીન મુક્ત થયા હતા. તેમ છતાં તે કેસના જામીનની શરતોનો બદઇરાદાપૂર્વક ભંગ કરી પાછો તે જ પ્રકારનો ગુનો આચર્યો છે. જેથી સાબિત થાય છે કે ગેરકાનૂની રીતે રકમ મેળવવા માટે ડોક્ટર દરજ્જાના આરોપી પોતાની લાલચ રોકવા અમસર્થ છે.