એમ.એસ.યુનિ.ના ફિઝિક્સ વિભાગને ત્રણ સુપર કોમ્પ્યુટર ફાળવાશે

વડોદરાઃ કેન્દ્ર સરકારના અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન હાઈડ્રોજન અને તેના સ્ટોરેજ, એનર્જી મટિરિયલ્સ, ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સ તથા સસ્ટેનેબલ બિલ્ડિંગ્સના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે દેશની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને દેશભરની આઈઆઈટીઓ સાથે જોડવામાં આવી છે.જેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીનું જોડાણ આઈઆઈટી મુંબઈ સાથે થયું છે.આ પ્રોજેકટ માટે એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોને ૧૦ કરોડ રુપિયાની ગ્રાંટ મળશે.
પ્રોજેકટ અંગે સાયન્સ ફેકલ્ટીના ફિઝિક્સ વિભાગના પ્રોફેસર પી કે ઝાએ કહ્યું હતું કે, આ પ્રોજેકટમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રો. યુ ડી પટેલ, કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર પદમજા એસ તથા સોનલ ઠાકોર અને ફિઝિક્સ વિભાગના ડો.અલ્પા દશોરા પણ જોડાયેલા છે.આ ટીમ દ્વારા એનર્જી મટિરિયલ્સ તથા સ્ટોરેજના પ્રોટોટાઈપ બનાવવા માટે આઈઆઈટીના સંશોધકો સાથે મળીને રિસર્ચ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, ૧૦ કરોડની ગ્રાંટમાંથી ફિઝિક્સ વિભાગમાં ત્રણ સુપર કોમ્પ્યુટર તથા બીજા અત્યાધુનિક ઉપકરણો વસાવવામાં આવશે.આ સુપર કોમ્પ્યુટર આગામી ૬ મહિનામાં આઈઆઈટી, મુંબઈ દ્વાર ખરીદીની યુનિવર્સિટીને પહોંચાડવામાં આવશે.ફિઝિક્સ વિભાગ એવો પહેલો વિભાગ છે જેને ત્રણ સુપર કોમ્પ્યુટર મળવા જઈ રહ્યા છે
યુનિ.પાસે એક સુપર કોમ્પ્યુટર પહેલેથી છે
એમ.એસ.યુનિવર્સિટી પાસે પહેલેથી જ રાજ્ય સરકારે આપેલું એક સુપર કોમ્પ્યુટર છે.જે યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરમાં મૂકવામાં આવ્યું છે.સંશોધકો અટપટી અને લાંબી ગણતરીઓ માટે તેનો ઉપયોગ કરે છે.બીજા ત્રણ સુપર કોમ્પ્યુટર મળ્યા બાદ યુનિવર્સિટી પાસે કુલ ચાર સુપર કોમ્પ્યુટર ઉપલબ્ધ થશે.








