તહેવાર ટાણે મધ્યમ વર્ગને ઝટકો! સિંગતેલના ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં પડશે ડબ્બો
AI IMAGE |
Peanut Oil Price Hike: દેશભરમાં તહેવારોની સિઝન છે. એવામાં હવે ગૃહિણીઓના રસોડાનું બજેટ બગડવા જઈ રહ્યું છે. કારણ કે, સિંગતેલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. તહેવાર ટાણે કરવામાં આવેલો આ વધારો ગૃહિણીઓનું બજેટ બગાડી શકે છે. મળતી માહિતી મુજબ, સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે હવે 15 કિલોના ડબ્બાનો ભાવ હવે 2390 રૂપિયા થઈ ગયો છે.
મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું
નોંધનીય છે કે, મગફળીનું વ્યાપક ઉત્પાદન હોવા છતાં ભાવમાં આ વધારો થોડો ચોંકાવનારો છે. રાજ્યામાં ચાલુ વર્ષે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. મગફળીના વ્યાપક ઉત્પાદનથી લોકોને સિંગતેલમાં રાહતની આશંકા હતી, પરંતુ તેનાથી વિપરિત મધ્યમ વર્ગના લોકોએ સતત વધતી મોંધવારી વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. પહેલાં ગૃહિણીઓને સિંગતેલના 15 કિલોના ડબ્બાના વધીને 2360 રૂપિયા ચુકવવા પડતા પરંતુ, 30 રૂપિયાના વધારા સાથે હવે 2390 રૂપિયા ચુકવવા પડશે.
મગફળીના પાકમાં નુકસાન?
એકબાજું રાજ્યભરમાં આ વર્ષે સારો વરસાદના કારણે મગફળીના વ્યાપક ઉત્પાદનની વાત કરવામાં આવે છે. ત્યાં બીજી બાજું એવું પણ સામે આવી રહ્યું છે કે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીસ રાજકોટ વિસ્તારમાં મગફળીના પાકમાં રોગ આવી જતા તે પીળો થવા લાગ્યો હતો. મગફળીમાં મુંડા આવવાથી મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ નષ્ટ થઈ જાય છે. જોકે, આ પરિસ્થિતિ બાદ પણ મગફળીનો ભાવ સ્થિર છે પરંતુ, તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.