પંચમહાલ ડેરીની ચૂંટણી: 10મી સપ્ટેમ્બર બાદ ચિત્ર થશે સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા
Godhra News: પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (પંચમહાલ ડેરી)ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી 20 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં અણિયાદ મંડળીમાંથી ડેરીના વર્તમાન ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ ફોર્મ ભર્યું છે.
ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાયા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. જોકે, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 10મી સપ્ટેમ્બર બાદ જ વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે. હાલની પરિસ્થિતિ જોતાં ડેરીની તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળના વર્તમાન વ્યવસ્થાપક મંડળે કોઈ પણ વિવાદ વિના સફળતાપૂર્વક તેમની મુદત પૂર્ણ કરી છે. જેથી ડેરીમાં સુશાસન અને સભાસદોના હિતમાં લેવાયેલા નિર્ણયોને કારણે ચૂંટણીમાં સર્વસંમતિ સધાય તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
આ ચૂંટણી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના હજારો પશુપાલકો માટે મહત્ત્વપૂર્ણ છે. ડેરીનું નવું વ્યવસ્થાપક મંડળ પશુપાલકોના વિકાસ અને ડેરીના હિતમાં કેવા નિર્ણયો લે છે તે જોવું રહ્યું.