For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની આ બેઠક પર પાટીદાર VS પાટીદાર જંગ જામશે, અહીં 33 વર્ષથી રહ્યું છે ભાજપનું શાસન

ભાજપે બે યાદીમાં 267 ઉમેદવારની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના 22નો સમાવેશ, ચારની જાહેરાત બાકી

કોંગ્રેસે બે યાદીમાં 82 ઉમેદવારની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના સાતનો સમાવેશ, 19ની જાહેરાત બાકી

Updated: Mar 14th, 2024

ગુજરાતની આ બેઠક પર પાટીદાર VS પાટીદાર જંગ જામશે, અહીં 33 વર્ષથી રહ્યું છે ભાજપનું શાસન

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહી છે અને ભારતનું ચૂંટણીપંચ ગમે તે સમયે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે પહેલી યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારની પ્રથમ યાદી કરી હતી જ્યારે બીજી યાદીમાં ગુજરાતની સાત સહિત 72 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે પહેલી યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 નામની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસની પહેલી યાદીમાં ગુજરાતના એકપણ ઉમેદવારનું નામ જાહેર નહોતું કરાયું, જ્યારે બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા. આમ, પોરબંદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. મહત્ત્વની બાબત એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ એક-એક બેઠક જીતી હતી. પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાનો 8181 મતથી વિજય થયો હતો. જ્યારે કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાનો 26712 મતથી વિજય થયો હતો. પરંતુ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે ત્યારે આ બેઠક પર ભાજપનો હાથ ઉપર છે અને ફરી લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે. વિધાનસભામાં પોરબંદર બેઠક પર ભાજપના બાબુભાઈ બોખીરિયા, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને આપના જીવન જુંગી વચ્ચે જંગ હતો, જ્યારે કુતિયાણા બેઠક પર ભાજપના ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસના નાથાભાઈ ઓડેદરા અને આપના ભીમા મકવાણા વચ્ચે જંગ હતો.

માંડવિયા ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા

ભાજપે પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે જે પાટીદાર સમાજમાંથી આવે છે જ્યારે કોંગ્રસે પણ પાટીદાર અને સૌરાષ્ટ્રના લડાયક નેતા લલિત વસોયાને ટિકિટ આપી છે. મનસુખ માંડવિયા પહેલીવાર 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2012 પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2016માં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા હતા ત્યાર બાદ 2018માં ફરી એક વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. 

પોરબંદરમાં પાટીદાર VS પાટીદાર જંગ જામશે

મનસુખ માંડવિયા સામે લલિત વસોયાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે જે 2017માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઈ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા હતા. આ પછી કોંગ્રેસે ફરી તેમના વિશ્વાસ મુકીને 2019માં પોરબંદર બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. કોંગ્રેસે ફરી 2022ની વિધાનસભામાં તેમને ટિકિટ આપી હતી, જો કે તેમાં પણ તેમનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસે આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ફરી લલિત વસોયા પર વિશ્વાસ મુક્યો છે.

પોરબંદરમાં ભાજપના માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા 

• 2019માં લલિત વસોયા હાર્યા હતા, છતાં કોંગ્રેસે રિપીટ કર્યા 

• એ વખતે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને 5,63,881 મત મળ્યા હતા, જ્યારે લલિત વસોયાને 3,34,058. 

• ભાજપ ઉમેદવારને 59.36 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 35.17 મત મળ્યા હતા. 

• એ વર્ષે બસપા, અપક્ષ અને નોટામાં પણ સરેરાશ સાત હજાર મત પડ્યા

• એટલે કે આ બેઠક પર થોડા મતોનો ઉલટફેર પણ ગમે તે પક્ષની બાજી પલટાવી શકે છે 

કોંગ્રેસના ઉમેદવારને સાધીને ભાજપે બેઠક કબજે કરી 

• લોકસભા 2014માં વિઠ્ઠલભાઈની સામે કાંધલ જાડેજા હતા

• 2014માં ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઇ રાદડિયાને 5,08,437 મત મળ્યા હતા, જ્યારે કાંધલ જાડેજાને 2,40,466. 

• ભાજપ ઉમેદવારને 62.77 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 29.69 મત મળ્યા હતા. 

• 2014માં પણ બસપા, આપ, અપક્ષ અને નોટામાં પણ સરેરાશ આઠ હજાર મત પડ્યા હતા

• કાંધલ જાડેજા એ સમયે એનસીપીમાં હતા, જ્યારે હાલ સમાજવાદી પાર્ટીમાં છે.

પોરબંદર બેઠક પર ભાજપનું પ્રભુત્વ

આ બેઠક પર ભાજપ આઠ વખત જીતી છે અને 1991થી 2004 સુધી ભાજપના કબજામાં રહી હતી. જો કે 2009માં વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. પરંતુ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા આ બેઠક પર 2013માં પેટા ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ફરી વિજયી બનતા બેઠક ફરી એક વખત ભાજપના કબજામાં આવી ગઈ હતી.

પોરબંદર લોકસભા બેઠકની વિશેષતા, જ્ઞાાતિનું મહત્ત્વ

ભારતના પશ્ચિમ દરિયાકાંઠે વસેલું શહેર અંગ્રેજોના શાસનમાં રજવાડું હતું. જો કે પરબંદર સુદામાપુરી અને મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે.     પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પોરબંદર જિલ્લાના માત્ર બે જ વિધાનસભા મત ક્ષેત્રો પોરબંદર અને કુતિયાણાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ જિલ્લાના ૩ વિધાનસભા મતક્ષેત્રો ગોંડલ, જેતપુર અને ધોરાજીનો તથા જૂનાગઢ જિલ્લાના બે વિધાનસભા મતક્ષેત્રો માણાવદર અને કેશોદનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર સૌથી વધુ લેઉવા અને કડવા પટેલો મળી અંદાજે 5 લાખ પાટીદાર મતદારો છે. પરિણામે આ બેઠક પર હંમેશા પાટીદાર મતદારો નિર્ણાયક રહ્યા છે.

આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી

તેથી આ બેઠક પર મોટા ભાગે પાટીદાર ઉમેદવારો જ ચૂંટણી જંગમાં ઉતારાયા છે. આ ઉપરાંત મહેર જ્ઞાતિના મતદારો તેમજ ખારવા સમાજના મતદારો પણ આ બેઠક પર નિર્ણાયક બને છે. આ ઉપરાંત   બ્રાહ્મણ, કોળી, આહિર, દલિત, લોહાણા, રબારી, સિંધી, મુસ્લિમ સમાજના પણ મતદારો આ બેઠકમાં વિશેષ ભૂમિકા અદા કરે છે. આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી ત્યાર બાદ કુલ 12 સામાન્ય ચૂંટણી અને એક પેટા ચૂંટણી યોજાઇ છે. તેમાં 1991થી કુલ સાત ચૂંટણીઓમાં આ બેઠક પર ભાજપનું શાસન રહ્યું છે જ્યારે 2009માં કોંગ્રેસે આ બેઠક છીનવી હતી, પરંતુ છેલ્લી બે ચૂંટણીથી આ બેઠક ભાજપ પાસે છે.

Article Content Image

Gujarat