Gujarat

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ

By GS TEAM
16 Mar 20261 min read
ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ

વડોદરાઃવડોદરાના ડભોઇ રાેડ અને હરણી વિજયનગર હાઉસિંગ બોર્ડ ખાતે આજે મોડીસાંજે મકાનોની છત ધરાશાયી થવાના જુદાજુદા બે બનાવ બનતાં ભારે ગભરાટ ફેલાયો હતો.વડોદરા ફાયર બ્રિગેડે સોમાતળાવ ખાતે છ પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું.જ્યારે,વિજયનગરમાં ચાર વાહનોને નુકસાન થયું હતું.

ડભોઇરાેડ સોમાતળાવ ખાતે આજે રાત્રે ગ્રાઉન્ડ અને ત્રણ માળના અંબિકા ફ્લેટસની દાદર તરફ જતી બંને માળની છત ધડાકા ભેર તૂટી પડતાં મકાનોમાં છ થી આઠ પરિવારો ફસાયા હતા.જેથી ફાયર બ્રિગેડે જાનના જોખમે દરેકનું રેસ્ક્યુ કર્યું હતું.

આવી જ રીતે હરણીના  વિજયનગર ખાતે ૪૦ થી ૪૫ વર્ષ પહેલાં હાઉસિંગ સ્કીમના મકાનો બન્યા હોવાથી અનેક મકાનો જર્જરિત બન્યા છે.આજે આવા જ એક મકાનની ઉપરનો ભાગ ધરાશાયી થતાં નીચે પાર્ક ચારેક ટુવ્હીલરો દબાયા હતા.

બનાવને પગલે બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સામાન લઇને બહાર નીકળી ગયા હતા.ફાયર બ્રિગેડ પણ બચાવ કામગીરી માટે દોડી આવી હતી. પરંતુ કોઇ જાનહાનિ નહિ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિકોએ કહ્યું હતું કે,આ ઇમારતનું અગાઉ સમારકામ થયું હતું.તિરાડો પણ પડી ગઇ છે.બે દિવસ પહેલાં પણ કેટલોક ભાગ પડયો હતો.જેથી સલામતીના પગલાં લેવા જોઇએ.સારાનસીબે આ વખતે બિલ્ડિંગમાંથી કોઇ વ્યક્તિની અવરજવર નહતી.જેથી જાનહાનિ થતાં રહી ગઇ હતી.