હું કેન્દ્રીય મંત્રી બનવાને લાયક પણ મને લાઈનમાં ઊભા રહેતા નથી આવડતું, પરશોત્તમ સોલંકીનું દર્દ છલકાયું
Image: Instagram @ parshottambhaiosolanki |
Parshottam Solanki: કોળી સમાજના કદાવર નેતા અને રાજ્યના મંત્રી પરશોત્તમ સોલંકીએ દીકરાના જન્મદિવસની ઉજવણીના નામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ ભાવનગરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સામે સરાજાહેર નારાજગી વ્યક્ત કરતાં મુદ્દો ભાજપ અને કોળી સમાજમાં ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચોઃ VIDEO : વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના, બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા
ભાજપની વરિષ્ઠ નેતાગીરી સામે નારાજગી
ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પશુપાલન મંત્રી તેમજ કોળી સમાજના કદાવર નેતા પરશોત્તમ સોલંકીએ ભાજપની વરિષ્ઠ નેતાગીરી સામે ફરી નારાજગી વ્યક્ત કરી હતી. સોલંકીએ પુત્ર દિવ્યેશના જન્મદિન પ્રસંગે શહેરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે દિવ્ય સેતુ શીર્ષક હેઠળ પરિસંવાદ યોજાયો હતો. અહીં શક્તિ પ્રદર્શન કરતા સોલંકીએ ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, હું છ-છ વખત ધારાસભ્ય બનતાં મને મંત્રી બનાવવાની ફરજ પડી છે. આ અનુભવ જોતાં મારું સ્થાન દિલ્હીમાં હોવું જોઈએ અને મને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઈએ. પરંતુ, મને કોઈની આગળ-પાછળ દોડધામ કરતા કે લાઇનમાં ઊભા રહેતા આવડતું નથી એટલે હું ત્યાં નથી.
આ પણ વાંચોઃ રાજકોટમાં એકલા રહેતા વૃધ્ધની ઘાતકી રીતે હત્યા બાદ લાશ સળગાવી નાખી
સાંસદથી ગેરહાજરી ખટકી?
આ તકે તેમણે કાર્યક્રમમાં આમંત્રણ આપવા છતાં ગેરહાજર રહેલાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબહેન બાંભણિયાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે, બહેને કાર્યક્રમમાં આવવાની જરૂર હતી. સોલંકીની ટકોરને પગલે આ મુદ્દો ભાજપ સહિત સમગ્ર કોળી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, નિમુબહેનની પસંદગી પાછળ રાજ્યમંત્રીનો સિંહફાળો હોવાની ભાજપમાં ચર્ચા છે. ત્યારે, સાંસદ બન્યાના એક વર્ષમાં જ રાજ્યમંત્રીની સાંસદ સામેની નારાજગીએ વધુ એક વખત સ્થાનિક સંગઠનમાં આંતરિક ડખા હોવાનો ઈશારો કરી રહ્યું હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.