Get The App

રાજકોટમાં એકલા રહેતા વૃધ્ધની ઘાતકી રીતે હત્યા બાદ લાશ સળગાવી નાખી

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં એકલા રહેતા વૃધ્ધની ઘાતકી રીતે હત્યા બાદ લાશ સળગાવી નાખી 1 - image


ચોરી, લુંટ સહિતના તમામ એંગલ ઉપર પોલીસની તપાસ

બનાવને આત્મહત્યામાં ખપાવવા હત્યારાએ લાશ સળગાવી નાખ્યાનું પોલીસનું તારણ, હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ

રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર શેરી નં.૩ મફતિયાપરામાં એકલા રહેતાં મનસુખભાઈ આણંદજીભાઈ ટાંક (ઉ.વ.૭૩)ની ગઈકાલે રાત્રે માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી, ઘાતકી રીતે હત્યા નિપજાવ્યા બાદ, લાશને સળગાવી દેવાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જો કે મનસુખભાઈની કોણે અને કયા કારણસર હત્યા કરી તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.  ભેદ ઉકેલવા માટે ગાંધીગ્રામ-ર પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝુકાવ્યું છે.

હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈના પત્ની ચતુરાબેન પાંચેક વર્ષ પહેલાં બિમારી સબબ મૃત્યુ પામ્યા હતા. જયારે પુત્ર સંજયે રપ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ પુત્રીના લગ્ન થઈ ગયા છે. હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા. ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યે તેમના મકાનમાંથી ધુમાડા નિકળતા જોઈ પાડોશીઓએ નજીકમાં રહેતાં તેમના સગા-સંબંધીઓને જાણ કરી હતી. જેથી તમામ દોડી આવ્યા હતા. 

આવીને જોયું તો  મનસુખભાઈ મૃત હાલતમાં પડયા હતા. માથામાં ઈજાના નિશાન હતા. હાથ અને છાતીના ભાગે દાઝી ગયેલા હતા. જેના પરથી પોલીસે એવું તારણ કાઢયું છે કે મનસુખભાઈને હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા તેમની લાશ સળગાવી દીધી હશે. 

ગઈકાલે સ્થળ પર મનસુખભાઈને ૧૦૮ના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં ગાંધીગ્રામ-ર પોલીસ સ્થળ પર પહોંચી હતી. આજે સિવીલમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મોડી સાંજે પોલીસે મૃતકના જમાઈ દયાળજીભાઈ બેચરભાઈ વાઘેલા (ઉ.વ.પ૬, રહે. કૈલાશ પાર્ક-૩, રણુંજા મંદિર પાછળ)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

જાણ થતાં ડીસીપી જગદિશ બાંગરવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મકાનમાંથી પ્રાથમિક તપાસમાં કોઈ મત્તાની ચોરી કે લુંટ નહીં થયાનું બહાર આવ્યું છે. જે તિજોરી હતી તે સલામત હતી. આ સ્થિતિમાં હત્યા ખરેખર ચોરી કે લુંટના ઈરાદે થઈ છે કે કેમ તે બાબતે પોલીસ હજૂ કોઈ ચોકકસ નિષ્કર્ષ ઉપર પહોંચી શકી નથી. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ચોરી કે લુંટના ઈરાદા સહિતની તમામ થિયરીઓ ઉપર તપાસ ચલાવવામાં આવી રહી છે. ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા નથી. થોડે દુર કેમેરા છે. જેની મદદ ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી તપાસ કરવામાં આવી રહી છે. હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈ  નાણા ધીરધારનું પણ કામ કરતા હતા. આ એંગલ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે.


Tags :