VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 14ના મોત
Vadodara Bridge Collapsed News : વડોદરામાં 9 જુલાઈ, 2025ના રોજ બુધવારે મોટી દુર્ઘટના બની છે. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક તંત્ર અને સ્થાનિકોની મદદથી મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. ઈજાગ્રસ્તોને પાદરા અને વડોદરા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
મૃતકોના નામ
1. વખત સિંહ મનુભાઈ જાદવ (35 વર્ષ) રહે. કહાનવા, તા.જંબુસર
2. કાનજીભાઈ મેલાભાઈ માછી (70 વર્ષ) રહે.ગંભીરા, તા.આણંદ
3. પ્રવીણ લાલજીભાઈ જાદવ (33 વર્ષ) ઉદેવ, ખંભાત
4. રમેશ રાવજીભાઈ પઢીયાર (38 વર્ષ) મુજપુર, પાદરા
5. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર (40 વર્ષ) હર્ષદપુરા, મજાતણ, પાદરા
6. નૈતિક રમેશભાઈ પઢીયાર (2 વર્ષ) મુજપુર, પાદરા
7. વૈદિકા રમેશભાઈ પઢીયાર (6 વર્ષ) મુજપુર, પાદરા
8. રાજેશ ઈશ્વર ચાવડા (26 વર્ષ) દેવાણ, તા.આકલાવ
9. પર્વત ભગવાનભાઈ વાગડિયા (20 વર્ષ) સરસવા, મહીસાગર ઉત્તર
10. જશભાઈ શંકરભાઈ હરીજન (65 વર્ષ) ગંભીરા, આંકલાવ
ઇજાગ્રસ્તોના નામ
1. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર (45 વર્ષ) દેહગામ, ગાંધીનગર
2. ગણપતસિંહ માનસિંહ રાજપુત (40 વર્ષ) રાજસ્થાન
3. રાજુભાઈ દોડાભાઈ (30 વર્ષ) દ્વારકા, નાની શિરડી
4. સોનલબેન રમેશભાઈ પઢિયાર (35 વર્ષ) મુજપુર,પાદરા
5. અરવિંદભાઈ મહીજીભાઈ પરમાર - મજાતણ, પાદરા
6. દિલીપભાઈ રામસિંહ પઢિયાર (35 વર્ષ), નાની શેરડી
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર
બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કરગરતી દેખાઈ હતી.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.
આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.
સ્થાનિકોનો ભાજપ પર ગંભીર આરોપ
સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.
ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બચાવ કામગીરી શરુ કરી
ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરુ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા. બે પિકઅપ વાન, એક ઈકો, ટુ વ્હિલર અને ટ્રક નદીમાં ખાબક્યા હતા.