Get The App

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ્યો

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ્યો 1 - image


Panchmahal News : પંચમહાલના ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હોબાળા અને પોલીસ ચોકીમાં તોડફોડના કેસમાં એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. પોલીસ દ્વારા 19 સપ્ટેમ્બર, 2025ની આ ઘટનાને ઝાકીર ઝભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું ગણાવવામાં આવ્યું છે, જેના સમર્થનમાં હવે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.

નવા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર હોબાળો મચાવ્યા બાદ અને તોડફોડની ઘટના થયા પછી ઝાકીર ઝભા ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો. અહીં તે સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં ચાલતો જોવા મળ્યો હતો. અગાઉ પોલીસ મથક પર તે જે રીતે લંગડાતો આવ્યો હતો, તેનાથી વિપરીત હોટલમાં તેના પગે કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોય તે રીતે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે. આ ફૂટેજ પરથી સાબિત થાય છે કે, પોલીસ મથકે તે ઈજાગ્રસ્ત હોવાનો ખોટો દેખાવ કરી રહ્યો હતો.

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ્યો 2 - image

પોલીસના જણાવ્યા અનુસાર, ઝાકીર ઝભાએ સમાજના યુવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવા અને તેમની લાગણી ઉશ્કેરવા માટે પોતાના સાથીદારોના સહયોગથી ખોટા વીડિયો બનાવીને વાઈરલ કર્યા હતા. આ તરકટ યોજીને તેણે શાંત ગોધરા શહેરમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ પણ વાંચો:  નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ

અશાંતિ ફેલાવ્યા બાદ અને સમાજના યુવાનોને અંધકારમાં ધકેલવાનું ષડયંત્ર કરીને, ઝાકીર ઝભા પોતાના સાથીદારો સાથે આ હોટલમાં મિજબાની માણવા પહોંચ્યો હતો. આ નવા વીડિયો ફૂટેજ હવે આ સમગ્ર ઘટનાના પૂર્વ આયોજન અને ખોટા તરકટ પર મહોર મારી રહ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી વધુ તેજ કરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. આ ઈન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે, જેથી શાંતિ જળવાઈ રહે.

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ્યો 3 - image

આ પણ વાંચો: ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સો.મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ, CCTV ફૂટેજમાં હકીકત સામે આવી

ઈન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે પોલીસ તેને આ જ કારણસર બોલાવી રહી છે. આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું. પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસ ચોકી નંબર 4 પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં રહેલી ખુરશીઓ અને અન્ય સામાન બહાર ગટરમાં ફેંકી દીધો હતો. 

Tags :