ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સો.મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ, CCTV ફૂટેજમાં હકીકત સામે આવી
Godhra News: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ધસી આવેલા ટોળાએ કરેલા હોબાળા અને તોડફોડ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પાછળ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર ઝભાનું તરકટ હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાના ફોલોઅર્સ વધારવા માટે પોલીસ પર માર માર્યાનો ખોટો આરોપ લગાવી વીડિયો વાયરલ કર્યો હતો, જેના કારણે લોકો ઉશ્કેરાયા હતા.
સીસીટીવી ફૂટેજમાં હકીકત સામે આવી
પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યારે ઝાકીર પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે ત્યારે તે લંગડાતો જ ચાલે છે. અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની ચેમ્બરમાં પણ તે આક્રોશિત રીતે દલીલો કરતો જોવા મળે છે, પરંતુ પીઆઈ શાંતિથી બેઠા છે. ફૂટેજમાં પીઆઈ તેને પાણી અને ચા પણ ઓફર કરતા જોવા મળે છે. આ ફૂટેજ પરથી સાબિત થાય છે કે પોલીસ દ્વારા તેને કોઈ પણ પ્રકારનો માર મારવામાં આવ્યો નથી.
પોલીસે યુવકને સમજાવીને છોડી મૂક્યો
પોલીસના જણાવ્યા અનુસાર, ઝાકીર ઝભા નામના એક ઇન્ફ્લુએન્સર તેના ફોલોઅર્સ વધારવા માટે નિર્દોષ અને અજાણ યુવાનોને ભેગા કરીને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને ધમાલ મચાવી હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂતે યુવકને સમજાવટથી ચા-પાણી પીવડાવી શાંત પાડ્યો હતો અને પોલીસ સ્ટેશનની હદમાંથી બહાર કાઢ્યો હતો.
ફોલોઅર્સ વધારવા માટે કૃત્ય
પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ માત્ર પોતાના ફોલોઅર્સ વધારવા માટે જાણી જોઈને આ કૃત્ય કર્યું હતું. તેણે ગોધરાના મુસ્લિમ સમાજને પણ ગેરમાર્ગે દોરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આવા કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટોળાને ઉશ્કેરીને કરી હતી તોડફોડ
પોલીસ સ્ટેશનમાંથી બહાર ગયા બાદ ઝાકીરે લોકોને ઉશ્કેરીને ટોળું બનાવ્યું અને ફરીથી પોલીસ મથકમાં ધસી આવ્યો. આ ટોળાએ પોલીસ ચોકી નંબર 4 પર હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી હતી. ઝાકીર ઝભા સામે અગાઉ પણ રીલ બનાવવા બદલ જાહેરનામા ભંગની બે પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ઘટના બાદ પોલીસે હવે ઝાકીર અને તેની સાથે આવેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.
સમાજે શાંતિ જાળવવા અપીલ કરી
આ ઘટના બાદ સમાજના આગેવાનોએ આવા કૃત્યનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આખા સમાજને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે યુવાનોને આવા ઇસમોની વાતોમાં ન આવવા અને પોતાનું ભવિષ્ય ન બગાડવા અપીલ કરી છે. હાલમાં તહેવારોનો સમય ચાલી રહ્યો હોવાથી, સમાજે શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવવા વિનંતી કરી છે.